નડિયાદ, તા.રર
છેલ્લા કેટલાક સમયથી દેશ સહિત રાજ્યમાંં ગુનાખોરીના એવા બનાવો સામે આવી રહ્યા છે કે સુરક્ષા શબ્દ સામે પણ સવાલ ઊભો થાય છે. શાળામાં ભણતા માસૂમ બાળકો, એકલા સફર કરતા સિનિયર સિટિઝનો કે મહિલાઓ, કે પછી ઘરના આંગણે રમતાં માસૂમ ભૂલકાંઓ, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીના સૂત્ર સાથે સત્તામાં આવેલી ભાજપ સરકારના શાસનમાં કોણ સુરક્ષિત છે ? તેવા સવાલો જનતા ચોરે ને ચૌટે પૂછી રહી છે ? બીજી તરફ સમાજમાં પણ વ્યક્તિ કેન્દ્રિતા એ હદે વધી ગઈ છે કે પોતાના સ્વાર્થ ખાતર માણસ ગમે તેવું હલકી કક્ષાનું અધમ અને અમાનવીય કૃત્ય કરતાં ગભરાતો નથી. આવી જ હકીકત નડિયાદની એનઆરઆઈ પરિવારની માસૂમ તાનિયાના અપહરણ અને હત્યાના કેસમાં સામે આવી છે.
નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં રહેતી એન.આર.આઈ. પરિવારની સાત વર્ષીય દીકરી તાનિયા પટેલના અપહરણ અને હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તાનિયાના અપહરણ અને હત્યાના પાપી ખેલને તેની જ પડોશમાં રહેતા મીત પટેલ નામના આરોપીએ અંજામ આપ્યો હતો. નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં રહેતી ૭ વર્ષીય તાનિયા અમિતકુમાર પટેલના અપહરણ અને હત્યાના ગુનામાં હૃદયને ધ્રુજાવી દે તેવી વિગતો બહાર આવી છે. આજરોજ પોલીસે ધરપકડ કરેલ આરોપી મીત પટેલ અને બે સગીર વયના આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે મીત પટેલે તા.૧૮ સપ્ટેમ્બરના રોજ રાત્રીના તાનિયાનું અપહરણ કર્યું હતું. તાનિયાના માતા-પિતા લંડન રહેતા હોવાથી આસાનીથી પૈસા મળી જશે. મીતે નડિયાદથી એક મિત્રની કાર નંબર જીજે.૦૭.ડીએ.ર૦૪૬ લીધી હતી અને માતા-પિતાને અંબાજી લઈ જવાના છે તેમ કહ્યું હતું. પરંતુ કાર લઈ તે સીધો લક્ષ ડુપ્લેક્ષ પહોંચ્યો હતો. જ્યાં ઘરની બહાર રમી રહેલી તાનિયાને આઈસક્રિમ ખવડાવવાના બહાને તેણે ગાડીમાં બેસાડી નડિયાદ બહાર લઈ ગયો હતો. પ્લાન મુજબ તેણે તાનિયાને આઈસ્ક્રિમ ખવડાવ્યો હતો. અને ત્યાંથી કાર સીધી વાસદ તરફ દોડાવી મૂકી હતી. જ્યાં વાસદ બ્રિજ પરથી તેણે સૂઈ રહેલી તાનિયાને મહિસાગર નદીમાં ફેંકી દીધી હતી. જો તે તાનિયાને જીવતી નદીમાં ફેંકી દેવાઈ હતી કે તે પહેલા જ તેની હત્યા કરી દેવાઈ હતી, જે બાબત હજુ સ્પષ્ટ થઈ શકી નથી. તાનિયાનું અપહરણ થતા જ ગણતરીના સમયમાં સમગ્ર વાત સોસાયટીથી નીકળી પોલીસ અને નડિયાદ નગરમાં ફેલાઈ ગઈ હતી. જેથી ગણતરીના સમયમાં જ માણસોના ટોળે ટોળા લક્ષ ડુપ્લેક્ષ ખાતે પહોંચી તાનિયાને શોધવા લાગી ગયા હતા. જો કે આ પ્રકારની સ્થિતિ ઊભી થવાનો અંદાજ પહેલેથી જ આરોપી મીત પટેલને હતો. તેથી જ તેણે તાનિયાને નદીમાં ફેંકી દીધા બાદ તે સીધો લક્ષ ડુપ્લેક્ષ ખાતે પરત આવી ગયો હતો. જ્યાં તેણે પોલીસ અને અન્ય લોકોની સાથે મળી તાનિયાને શોધી રહ્યો હોય તે પ્રકારે નાટક શરૂ કરી દીધા હતા. પોલીસે મીત પટેલની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાસ થઈ ગયો હતો. ઉપરાંત મુખ્ય આરોપી સાથે સંકળાયેલા અન્ય બે આરોપીઓ કે જે અંડર ૧૮ છે. તેમની ભૂમિકા અંગે પણ મીત પટેલે ખુલાસા કરતા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસવડા મનિન્દરસિંહ પવારે જણાવ્યું હતું.