નડિયાદ, તા.૯

ખેડા જિલ્લામાં જનજાગૃતિ અને પ્રચાર પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે મુજબના કાનૂની શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે  ‘નેશનલ લીગલ સર્વિસ ડે’ નિમિત્તે મફત કાનૂની સલાહ અને સહાય વિશે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેની લાભ લે તે હેતુસર જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતેથી એક રલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘નેશનલ લીગલ સર્વિસ ડે’ નિમિત્તે યોજાયેલ કાનૂની સહાય અને સલાહ જનજાગૃતિ રેલીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એલ.એસ. પીરઝાદાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી, એમ.કે. દવે, નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદના સેક્રેટરી અને જજ આર.એલ. ત્રિવેદી સૌના દ્વારા સંયુક્ત રીતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે રેલી જિલ્લા ન્યાયાલય, નડિયાદથી શરૂ થઈને સંત અન્ના ચોકડી, મફતલાલ મિલ સર્કલ, સરદાર ભવન મહાત્મા ગાંધી સ્ટેચ્યુ થઈ પરત જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે આવી પૂર્ણાહૂતી થઈ હતી.

આ રેલીમાં નડિયાદ પોલીસના ટીઆરબી જવાનો, મેથોડીસ્ટ નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, અનાથ આશ્રમના બાળકો, નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ, વકીલ મિત્ર, પેનલ એડવોકેટો, પેરા લીગલ વોલન્ટિયર, તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના કર્મચારીઓ સહિત કુલ-૩૦૦ જેટલા લોકોએ ઉપસ્થિત રહીને આ રેલીને સફળ બનાવી હતી.  આ ‘નેશનલ લીગલ સર્વિસ ડે’ નિમિત્તે યોજાયેલ કાનૂની સહાય અને સલાહ જનજાગૃતિ રેલીનું સમગ્ર સંચાલન, આયોજન અને વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના સેક્રેટરી અને જજ આર.એલ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.