નડિયાદ, તા.૧૪
ખેડા જિલ્લામાં કોરોનાના ચેપમાં જોત-જોતામાં ૩૪ લોકો સપડાઈ ગયા છે. જેને સાજા થઈ રજા આપવામાં આવી રહી છે. ગઈકાલે ખેડા જિલ્લામાં સાજા થવાનો રેસિયો ૪૪.૧ર ટકા સુધી પહોંચી ગયો છે. હવે માત્ર ૧૮ જણા જ દાખલ છે. અને કોરોના સામે જંગ જીતી રજા પામનાર વ્યક્તિઓનું ફૂલ આપી તાળીઓના ગણગણાટથી હોસ્પિટલમાં સન્માન કરી વિદાય અપાઈ હતી. દર્દીઓએ પણ હોસ્પિટલના સ્ટાફનો ખૂબ જ આભાર માન્યો હતો.
નડિયાદમાં કોલેજ રોડ પર આવેલી એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
સરકારની નવી ગાઈડલાઈન મુજબ જે દર્દીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તેના દસ દિવસ દરમ્યાન કોઈ તકલીફ ન હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. જે ગઈકાલ સુધીમાં ૩૪માંથી ૧૧ને રજા મળી હતી. એટલે ૩ર.રપ ટકા સારા થવાના દર્દીઓનો રેસિયો હતો અને આ વધીને ૪૪.૧ર ટકા સુધી પહોંચી ગયો છે.