(એજન્સી) તા.રર
જમિયત ઉલેમા-એ-હિન્દે કહ્યું હતું કે, તે વકીલોની સમિતિ મારફતે ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કેસોમાં પોલીસની ચાર્જશીટને પડકારશે. જમિયતના પ્રમુખ અરશદ મદનીએ આક્ષેપ કર્યો હતો કે, આ ચાર્જશીટ એકતરફી, પક્ષપાતી અને વિશેષ વિચારધારા તરફી છે. જમિયતના પ્રમુખે કહ્યું હતું કે, જમિયત પીડિતોને ન્યાય અપાવવા માટે બધા જ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે. વકીલોની ટીમ પીડિતોના કેસને જોશે અને જેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે તેમના પણ કેસને જોશે. દિલ્હી રમખાણોમાં સીએએ આંદોલનકારીઓની એકતરફી ધરપકડ અને એકતરફી કાર્યવાહી મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જમિયત પ્રમુખે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકડાઉનની વચ્ચે રાજકારણીઓએ તેમના ગુપ્ત એજન્ડા માટે પોલીસનો ઉપયોગ કર્યો, ખાસ કરીને મુસ્લિમ લઘુમતીઓ વિરૂદ્ધ. કોરોના વાયરસના ભયના કારણે જ્યારે લોકો તેમના ઘરની બહાર નથી નીકળતા ત્યારે સીએએ વિરોધી અભિયાનના આક્ષેપો હેઠળ નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી રહી છે.