(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
મુંબઈ પોલીસે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટથી છેડછાડ કરનાર એક ગ્રૃ઼પનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં રિપબ્લિક ટીવીનું નામ પણ ઉછળ્યું હતું. બસ આ કાંડ બાદ હવે કંપનીઓ અને મીડિયા એજન્સીઓ ન્યૂઝ ચેનલો પર સતત નજર રાખી રહી છે. અને નફરત ફેલાવતી ન્યૂઝ ચેનલોને એડવર્ટાઈઝમેન્ટ ન આપવાના નિર્ણય કરી રહી છે. બજાજ દ્વારા સૌથી પહેલાં આ પહેલ શરૂ કરવામાં આવી હતી. હવે આ પહેલમાં પારલે-જી પણ જોડાઈ ચૂકી છે. પારલે જી કંપનીના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, કંપની સમાજમાં ઝેર ફેલાવતું કન્ટેન્ટ પ્રસારિત કરનાર ન્યૂઝ ચેનલો પર વિજ્ઞાપન આપશે નહીં. તેઓએ કહ્યું કે, અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ. જેમાં અન્ય એડવર્ટાઈઝર એક સાથે આવે અને સમાચાર ચેનલો પર વિજ્ઞાપન આપવાના પોતાના ખર્ચ પર કંટ્રોલ કરે જેથી તમામ ન્યૂઝ ચેનલોને એ સ્પષ્ટ સંકેત મળે કે તેઓએ પોતાના કન્ટેન્ટમાં બદલાવ લાવવો પડશે. તેઓએ કહ્યું કે, આક્રમકતા અને સામાજિક સૌહાર્દ બગાડવાને પ્રોત્સાહન આપનાર ચેનલ એ નથી કે જેના પર કંપની પૈસા ખર્ચ કરવા માગે છે, કેમ કે, તે કંપનીના ટાર્ગેટ ઓડિયન્સ નથી. પારલેના આ નિર્ણયની જાહેરાત પછી સોશિયલ મીડિયા યુઝર્સે કંપનીની પ્રશંસા કરી હતી.