(એજન્સી) તા.૨
જયોર્જ ફલોયઈડની પોલીસ કસ્ટડીમાં હત્યા બદલ સમગ્ર અમેરિકામાં ફાટી નીકળેલા હિંસક દેખાવો સંદર્ભે આફ્રિકન-અમેરિકન સમુદાય સાથે એકતા વ્યક્ત કરતાં માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સી.ઈ.ઓ. સત્ય નડેલાએ કહ્યું હતું કે નફરત અને વંશવાદ માટે આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. નોંધનીય છે કે,મિનિયાપોલીસમાં ૨૫ મેના રોજ એક શ્વેત પોલીસ અધિકારીએ આફ્રિકન-અમેરિકન સમુદાયના ૪૬ વર્ષિય ફલોયર્ડની હત્યા કરી દીધી હતી. જેના પગલે સમગ્ર અમેરિકામાં હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં. નડેલાએ સોમવારે ટ્‌વીટ કરી કહ્યું હતું કે “આપણા સમાજમાં નફરત અને વંશવાદ માટે કોઈ સ્થાન નથી. આ મુદ્દે સહાનુભુતિ અને પરસ્પર સમજૂતી શરૂ થઈ ગઈ છે. પરંતુ આપણે હજુ વધુ કરવુ પડશે” હૈદરાબાદમાં જન્મેલા માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે, “હું આફ્રિકન અમેરિકન સમુદાયના પડખે ઊભો છું અને અમે અમારી કંપની અને અમારા સમુદાયમાં આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ” ઉલ્લેખનિય છે કે, એક દિવસ પહેલા ગૂગલના ભારતીય મૂળના સી.ઈ.ઓ. સુંદર પિચાઈએ પણ આફ્રિકન-અમેરિકન સમુદાય પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી.