ભરૂચ, તા.૧૦
નબીપુર બેંક ઓફ બરોડા બ્રાન્ચ મેનેરના અમાનવિય અભિગમ અને ગ્રાહકો સાથે તુચ્છ વર્તનથી ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડી રહ્યા છે. તો બીજી તરફ અવ્યવસ્થાના પગલે ગ્રાહકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામે વારંવાર વિવાદોમાં વહેતી બેંક ઓફ બરોડાની શાખામાં મેનેજર સ્ટાફના તઘલખી વહીવટના પગલે હાલ કોરોના મહામારી વચ્ચે ગ્રાહકો સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બેંક મેનેજર દ્વારા બેંક પ્રિમાઈસીસમાં કોઈપણ ગ્રાહકને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા એન્ટ્રી ઉપર જ ટેબલ ગોઠવી દઈ તમામ ગ્રાહકોને મુખ્ય માર્ગ ઉપર ઊભા રહેવા મજબૂર કરાય છે. ર૬ ગામોને સંલગ્ન બ્રાન્ચમાં કામકાજના દિવસો દરમ્યાન ગ્રાહકોનો ધસારો વધી જતા અરાજકતા વારંવાર વ્યાપે છે. એકતરફ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડી રહ્યા છે તો બીજી તરફ લોકોના ટોળે ટોળા ઉમટી પડતા સ્થાનિક રહીશોમાં કોરોના મહામારીનો ભય વ્યાપવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી નબીપુર બેંક ઓફ બરોડા શાખામાં અગાઉ પણ પાર્કિંગના મુદ્દે રોજનિથી ઝઘડાઓ થતા હોય ત્યારે મેનેજમેન્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.