અંકલેશ્વર, ભરૂચ, તા.ર૯
ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી તબક્કાવાર ૩ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા નદી કિનારાનાં વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ગતરોજ તા.૨૮-૮-૨૦૨૦ નાં સાંજના સમયથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરતાં ૩ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હજી પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. હાલ બપોરે ૧૨ વાગ્યાનાં સુમારે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૫ હોવાનું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યુ હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે ૮ કલાકે નદીની સપાટી ૮.૨૫ ફૂટ, ૧૦ કલાકે ૯ ફૂટ અને ૧૨ કલાકે ૧૦ ફૂટની ૪ કલાકે ૧૭ ફૂટની સપાટી નોંધાય હતી.
આ અંગે જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડીયા દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર ડેમમાથી ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ ની પરિસ્થિતી ને જોતાં સાંજે ૫ કલાક બાદ ૫ લાખ ક્યુસેક પાણી જે તબબકાવાર વધી ૮ લાખ ક્યુસેક સુધી જઈ શકે છે જેથી નર્મદા નદીના કિનારાના ઝગડિયા, ભરૂચ અને અંકલેશ્વરના નીચાણ વાળા વિસ્તારોના ગામોના લોકોને નદી કીનારે ન જવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે જોકે કોઈ પણ પરિસ્થિતી ને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ અને સાબદું છે અને તકેદારી ના ભાગ રૂપે એનડીઆરએફ ની એક ટીમ સ્ટેન્ડબાય ભરૂચ ખાતે રાખવામા આવેલ છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના ૩૦ પેકી ૧૦ દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ ૧૩ દરવાજા ખોલાયા છે. ડેમના ૨૩ દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે ૩.૬૫ લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ડેમની સપાટી ૧૩૧.૨૫ મીટરે પોહચી છે. કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામો ને સાવધ કરી દેવાયા છે.
ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૫ લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ માં છોડવામાં આવ્યું છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે.