(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૫
પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાના પુત્ર મોહિતે પિતાનો જ ૨૯ વર્ષનો જૂનો ૨૨૪ રન બનાવવાનો રેકોર્ડ તોડી કેરળ સામે ૨૬૬ બોલમાં ૨૬૦ રનની તોફાની બેટીંગ કરી તોડ્યો છે. જો કે, મેચ અંતે ડ્રોમાં પરિણામી હતી. અંડર ૧૯ કુચ બિહાર ટ્રોફી હાલમાં રમાઈ રહી છે. જેમાં કેરળ અને વડોદરા અંડર ૧૯ ટીમ વચ્ચેની મેચમાં કેરળે ટોસ જીતીને બેટીંગ કરવાનું નિર્ણય કર્યો હતો. વડોદરાના બોલર નિનાદ રાઠવાએ ઝંઝાવાતી બોલીંગનું પ્રદર્શન કરી પાંચ વિકેટ જ્યારે મોહિત મોંગિયાએ બે વિકેટ લેતા કેરળની ટીમ ૩૭૦મા ઓલ આઉટ થઈ ગઈ હતી. વડોદરાની ટીમ તરફથી મોહિત મોંગિયાએ ઝંઝાવાતી બેટીંગનું પ્રદર્શન કરી કેરળના બોલરોને ચારે તરફ ફટકારતા ૨૬૬ બોલમાં ૨૬૦ રન બનાવી પોતાના પિતાનો જ ૨૨૪ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. જેમાં મોહિતે ૨૮ ચોક્કા અને ૯ સિક્સર ફટકારી હતી. પિતાના ૨૯ વર્ષનો રેકોર્ડ તોડતાં તમામે તેને વધાવી લીધો હતો. અગાઉ નયન મોંગિયાએ કુચ બિહાર ટ્રોફીમાં જ મુંબઈ સામે ૨૨૪ રન ફટકાર્યા હતા.વડોદરાની ટીમે ૪૭૦ રન નોંધાવી ૩૯ રનની લીડ આપી હતી જ્યારે રમવા આવેલી કેરેલાની ટીમે છેલ્લા દિવસે ૧૮૨ રને છ વિકેટ ગુમાવી હતી. જેના પગલે મેચ ડ્રોમાં પરિણમી હતી.