(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
અમદાવાદ શહેરના છેવાડે આવેલ નરીમાનપુરા ગામ પાસે વાસણા બેરેજ જેવો બીજો બેરેજ બનાવવાની જે માગણી ઉઠી છે તેનાથી મુસ્લિમ બિલ્ડરો અને જમીનોમાં રોકાણ કરનારાઓમાં ભારે વિરોધ ઉઠયો છે. કારણ કે આ જમીન જુહાપુરા સરખેજ જેવા મુસ્લિમ વિસ્તારો સાથે જોડાયેલી છે અને ઉકત વિસ્તારમાં મોટાભાગની જમીનો મુસ્લિમોની માલિકીની છે. આથી મુસ્લિમોને જુહાપુરાથી આગળ વધતા અટકાવવા માટે જ સરકારે એગ્રીકલ્ચરલ ઝોન જાહેર કરી દીધું હોવાની ચર્ચા છે.અત્રે ઉલ્લેખનીય છે કે નરીમાનપુરા ગામ પાસે વાસણા બેરેજ જેવો બીજો બેરેજ બાંધીને નદીના પાણીને બારેમાસ કેનાલમાં વહેવડાવી પાણીની અછતની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂત સંઘર્ષ સમિતિએ માગણી કરી છે. તેઓના જણાવ્યા મુજબ જિલ્લાના ચાર તાલુકાના ૩૦૦થી વધુ ગામની પ૦ હજાર હેકટર જમીનને આ બેરેજ બાંધવાથી ફાયદો થઈ શકે તેમ છે. નરીમાનપુરા જૂની ફતેવાડી ગામ પાસે હાલમાં માટીની પાળો બાંધીને પાણીની તંગી વર્તાય તે સમયે આ પાણીનો સિંચાઈના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પાળો વારંવાર તૂટી જતી હોવાથી આ પાળોને વાસણા બેરેજ જેવો મજબૂત બનાવાય તો સુએઝનું પાણી કાયમી ધોરણે ફતેવાડી કેનાલમાં વાળીને ૬૦૦થી વધુ ગામોના સિંચાઈના પ્રશ્નને હલ કરી શકાય તેમ છે. તેવી માગણી ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે મુસ્લિમ અગ્રણીઓનું જણાવવું છે કે મુસ્લિમ સમાજનો વિકાસ રૂંધવાનું આ રીતસરનું કાવતરૂ છે. આ જમીનો એગ્રીકલ્ચરલ ઝોનમાં મુકી મુસ્લિમ સમાજને આગળ વધતા અટકાવવાની સાજીસ લાગે છે. નરીમાનપુરા વિસ્તારની જમીનોમાં મોટાભાગે મુસ્લિમ બિલ્ડરો અને રોકાણકારોના નાણા રોકાયેલા છે. આખા અમદાવાદની ગંદકી મુસ્લિમ વિસ્તારોમાં જ ઠાલવવામાં આવે છે. એમ કહી મુસ્લિમ વિસ્તારોને કવર્ડ કરવાનો ઈરાદો તો નથી ને ? એમ જણાવી મુસ્લિમ આગેવાને જણાવ્યું છે કે ‘અગર આજ આંખ નહી ખોલોગે તો કલ બહોત દેર હો ચૂકી હોગી’.