(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પડેલા અને મોદીના ઇશારે વિશ્વ હિન્દુ પરિષદમાંથી બહુ ઠંડે કલેજે હટાવી દેવાયેલા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ આજે મીડિયા સમક્ષ જાહેરમાં આવી દેશના કરોડો હિન્દુઓ માટેની એક નવી અને મોટી લડાઇનું એલાન કર્યું હતું. જેમાં ડો.તોગડિયાએ તા.૧૭મી એપ્રિલ મંગળવારથી અમદાવાદમાં અચોક્કસ મુદતના અમરણાંત ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી હતી. ડો.તોગડિયાએ બહુ સાફ શબ્દોમાં સીધી વાત કરી હતી કે, મોદી સરકાર રામમંદિર બનાવવા, ગૌહત્યા રોકવા અને કોમન સિવિલ કોડ મુદ્દે સંસદમાં કાનૂન બનાવે અને હિન્દુઓની માંગણી પૂર્ણ કરે. ડો.તોગડિયાએ વડાપ્રધાન મોદીને એક તબક્કે સીધો પડકાર ફેંકયો હતો કે, મોદીએ નક્કી કરવાનું છે કે, તેઓ સંસદમાં આ કાયદા બનાવી હિન્દુઓની સાથે રહેવા માંગે છે કે નહી. જો તેઓ સંસદમાં ઉપરોકત મુદ્દે કાનૂન નહી બનાવે તો તેઓ આ કાનૂન સંસદમાં બનાવડાવશે. તેઓ હવે વિશ્વ હિન્દુ પરિષદમાં નથી અને તેમને વિશ્વ હિન્દુ પરિષદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યાના ગંભીર આક્ષેપો કરતાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૩૨ વર્ષોથી દેશના કરોડો હિન્દુઓનો અવાજ બુલંદ કરતા આવ્યા છે. હિન્દુઓની સેવા માટે ૪૦ વર્ષથી તેમણે પોતાનું વ્યકિતગત જીવન અને છેલ્લા ૧૨ વર્ષથી પોતાનું ઘર પણ છોડી દીધુ હતું. કરોડો હિન્દુઓનો અવાજ દબાવવાનો આજે ફરી એકવાર પ્રયાસ થયો અને મને વિશ્વ હિન્દુ પરિષદ છોડવા મજબૂર કરાયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, સત્તામાં મદમસ્ત બનીને બેઠેલા લોકો દ્વારા આ હીન કૃત્ય થઇ રહ્યું છે. મારી પાસે રેકોર્ડેડ એવીડેન્સ છે જેમાં મને કહેવામાં આવ્યું હતું કે, સંસદમાં રામમંદિરનો કાનૂન બનાવવાની માંગણી છોડી દો નહી તો, વિશ્વ હિન્દુ પરિષદ છોડી દો. હું સમય આવ્યે આ તમામ પુરાવા જાહેર કરીશ. પરંતુ ચાણકયએ કહ્યું છે કે, મોટી લડાઇ જીતવા માટે નાની લડાઇની હારમાંથી પસાર થવું પડે છે, તેથી પોતે આ નાની લડાઇમાંથી પસાર થઇ રહ્યા છે. હવે વાત મોટી લડાઇ જીતવાની છે. તેમણે ઉમેર્યું હતું કે, હિન્દુઓની લાશો પર સત્તા મેળવનારા હવે હિન્દુઓની રામમંદિર, ગૌ હત્યા રોકવા અને કોમન સિવિલ કોડની માંગણીઓ ભૂલી ગયા છે
તોગડિયાએ પોતાની નવી લડતની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની માંગણીઓ માટે તા.૧૭મી એપ્રિલથી અમદાવાદમાં અચોક્કસ મુદતના અમરણાંત ઉપવાસ પર બેસવાના છે. ૨૦૧૪માં મોદી સત્તામાં આવ્યા તે પહેલાં તેમને હિન્દુઓની અને મારી માંગણીઓ અને અવાજ સારા લાગતા હતા અને સત્તામાં આવ્યા બાદ તેમને અમારો અવાજ અને માંગણીઓ ગમતા નથી.