(એજન્સી) મુંબઈ, તા.ર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અહમદઆબાદ બુલેટ ટ્રેન યોજના વર્ષ ર૦રર સુધી પૂરી થવાની હતી પરંતુ હવે આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં અડચણો ઊભી થતી જોવા મળી રહી છે.
અહેવાલ મુજબ પાલઘર જિલ્લાના ૭૦થી વધુ આદિવાસી ગામના લોકોએ બુલેટ ટ્રેન યોજના માટે પોતાની જમીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે અને સાથે જ આ વિસ્તારમાંથી પસાર થનારી આ રેલ યોજના વિરૂદ્ધ મોટા પ્રદર્શનની પણ તૈયારી કરવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક સમુદાય અને જનજાતીયના લોકો વિરોધમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની બુલેટ ટ્રેન યોજના દેશની પ્રથમ હાઈસ્પીડ રેલ યોજના છે. સરકારનું આ બુલેટ ટ્રેન કોરિડોર માટે વર્ષ ર૦૧૮ના અંત સુધી જમીન અધિગ્રહણનું લક્ષ્ય હતું. આ હાઈસ્પીડ રેલ કોરિડોરનો લગભગ ૧૦ કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રના પાલઘરમાંથી પસાર થાય છે. રેલ મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રાજનીતિ પણ આ વિરોધને વેગ આપી રહી છે.