(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની ખેડૂત વિરોધી કાયદાઓ અંગેની ટ્રેકટર રેલીને હરિયાણાનીસરહદ પર સેંકડો પોલીસ કર્મીઓ દ્વારા રોકવામાં આવી હતી. ત્રણ દિવસની રેલી માટે પંજાબથી હરિયાણામાં પ્રવેશ કરી રહેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો અમને ૫૦૦ કલાક સુધી પણ રોકી રાખવામાં આવશે તો ખચકાઇશું નહીં. જોકે, એક કલાક રેલીને રોક્યા બાદ હરિયાણા સરકારે આ રેલીને પ્રવેશની મંજૂરી આપી દીધી હતી. ટ્રેકટર પર સવાર રાહુલ ગાંધીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, તેઓએ અમને હરિયાણા સરહદ પર રોક્યા. તેઓ જ્યાં સુધી સરહદ નહીં ખોલે ત્યાં સુધી અમે રોકાઇશું. જો તેમાં બે કલાક લાગે તો બે કલાક, છ કલાક લાગે તો છ કલાક, ૧૦ તો ૧૦, ૨૪ તો ૨૪, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ કલાક પણ રોકાઇશું, તેમણે જેટલો સમય લાગે તેટલી રાહ જોઇશું. અમે પાછા ફરીશું નહીં. જ્યારે તેઓ સરહદ ખોલશે ત્યારે હું શાંતિથી જઇશ. ત્યાં સુધી હું અહીં શાંતિથી રાહ જોઇશ. રાહુલ ગાંધીને ઉત્તરપ્રદેશના હાથરસમાં જતા પહેલા જે સ્થિતિનો સામનો કરવો પડ્યો તેવી જ સ્થિતિનો સામનો હરિયાણાની સરહદે પણ પોલીસ સાથે કરવો પડ્યો હતો.
રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, તેઓએ અમને હરિયાણાની સરહદ પર એક બ્રિજ પર રોકી રાખ્યા છે. હું પરત ફરવાનો નથી અને અહીં રોકાવામાં ખુશ છું. એક કલાક, પાંચ કલાક, ૨૪ કલાક, ૧૦૦ કલાક, ૧૦૦૦ કલાક કે પ૦૦૦ કલાક રોકાઇશ. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચારો વચ્ચે પોલીસે તમામને રોકી રાખ્યા હતા. જ્યારે હરિયાણાની ભાજપ સરકારે આદેશ આપ્યો કે, માત્ર ૧૦૦ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. રાહુલ ગાંધી સહિતના ટ્રેકટરોને પણ પ્રવેશ આપી દેવાયો હતો. અહીં રાહુલ ગાંધી સાથે પંજાબના અનેક નેતાઓએ પરવાનગી ન મળતા પરત જવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ ખેડૂત વિરોધી કાયદાઓ સામે ત્રણ દિવસની ટ્રેકટર રેલીનું આયોજન કર્યું હતું. કોગ્રેસે આરોપ લગાવ્યો છે કે, કાયદાને કારણે ખેડૂતોને નુકસાન થશે અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાથી ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થા નષ્ટ થઇ જશે. મંગળવારે ટ્રેકટર રેલી દરમિયાન તેમણે પટિયાલામાં પત્રકારો સમક્ષ એવો દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાયદાઓ દ્વારા પોતાના કેટલાક મૂડીવાદી મિત્રો (અદાણી-અંબાણી જેવા)ને ફાયદો પહોંચાડવા માગે છે. તેમણે કહ્યું કે, આ ત્રણેય કાયદા ખાદ્ય સુરક્ષાની વ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ છે. આ ખેડૂતો પર આક્રમણ છે અને આ આક્રમણને અમે રોકીશું તથા કાયદાઓ વિરૂદ્ધ લડીશું. કોંગ્રેસ નેતા અનુસાર આ કાયદાઓથી પંજાબ અને હરિયાણાના ખેડૂતોને સૌથી વધુ અસર થશે. બીજી તરફ ભાજપે રાહુલ ગાંધીની ટ્રેકટર યાત્રાને રાજકીય ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત કાયદાઓને સંસદના બંને ગૃહોમાં પસાર કરાયા બાદ રાષ્ટ્રપતિએ પણ કાયદાઓ પર મહોર મારી દીધી છે. ત્યારે પંજાબ તથા હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં આ કાયદાઓનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે.