(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્રની મોદી સરકારે તેના સાડા ત્રણ વર્ષના શાસનકાળ દરમિયાન અધધધ ૩૭પપ કરોડ રૂપિયા ફકત પ્રચાર પ્રસાર પાછળ વાપરી નાંખ્યા છે. એક આરટીઆઈમાં આ વાતનો ખુલાસો થયો છે. એપ્રિલ ર૦૧૪થી ઓક્ટોબર ર૦૧૭ સુધીમાં મોદી સરકારે પ્રચાર-પ્રસાર માટે ટીવી-અખબારોમાં જાહેરખબરો પાછળ ૩૭,પ૪,૦૬,ર૩,૬૧૬ કરોડ રૂપિયા વાપર્યા છે. નોઈડા સ્થિત આરટીઆઈ કાર્યકર રામવીર તનવરે માંગેલ માહિતીમાં આ વાત બહાર આવી છે. માહિતી મુજબ કેન્દ્ર સરકારે ૧૬પ૬ કરોડ ટીવી ચેનલો પાછળ ખર્ચ કર્યો છે. જ્યારે અખબારો પાછળ ૧૬૯૮ કરોડ વાપર્યા છે જ્યારે હોર્ડીંગ, પોસ્ટર, બુકલેટ, કેલેન્ડર પાછળ ૩૯૯ કરોડ વાપર્યા છે. આ રકમ કેટલાક મંત્રાલયના વાર્ષિક બજેટ કરતાં પણ વધારે છે. ર૦૧૬માં કેન્દ્ર સરકારે ૧૧૦૦ કરોડ ૧ જૂન ર૦૧૪થી ઓગસ્ટ ૩૧-ર૦૧૬ સુધીમાં ખર્ચ કર્યો હતો. એક બીજી આરટીઆઈમાં ખુલાસો થયો છે કે, કેન્દ્ર સરકારે ૮.પ કરોડ અખબારોમાં જાહેરખબર પાછળ વાપર્યા હતા. જે મન કી બાત કાર્યક્રમની જાહેરખબરો હતી. ભાજપે અને કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પર૬ના પ્રચારના ખર્ચની ટીકા કરી હતી.