અમદાવાદ,તા. ૨૭
શહેરના નરોડા વિસ્તારની સરસ્વતી વિદ્યામંદિરની વિદ્યાર્થીનીની છેડતીના મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા પર જોરદાર હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે રોષે ભરાયેલા વાલીઓએ શાળા સત્તાવાળાઓ અને સ્થાનિક પોલીસ વિરૂધ્ધ નારા લગાવી તાત્કાલિક આરોપીઓને ધરકપડ કરવા માંગણી કરી હતી. સરદારનગર પોલીસે પણ વાલીઓના આક્રોશને જોઇને તાત્કાલિક કાર્યવાહી કરી બે સગીર આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિરની વિદ્યાર્થીનીની કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ઘણા સમયથી છેડતી કરવામાં આવતી હતી અને તેઓને આવતા-જતા રસ્તામાં હેરાન પરેશાન કરવામાં આવતી હતી. જેના કારણે વિદ્યાર્થીનીઓએ કંટાળીને પોતાના પરિવારજનો અને શાળા સત્તાવાળાઓને પણ જાણ કરી હતી. સાથે સાથે સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાઇ હતી પરંતુ આ સમગ્ર મામલે કોઇ નક્કર કાર્યવાહી નહી થતાં અસામાજિક તત્વોનો ત્રાસ અને વિદ્યાર્થીનીઓની છેડતી ચાલુ જ રહી હતી. વાલીઓ અને શાળાઓ તરફથી વારંવાર રજૂઆતને પગલે આજે પોલીસને નાછૂટકે ખાનગી રાહે શાળા પર વોચ ગોઠવવામાં આવી હતી, એ દરમ્યાન સ્થાનિક અસમાજિક તત્વો વિદ્યાર્થીનીની છેડતી કરવા આવ્યા ત્યારે પોલીસે તેઓને ઝડપી લીધા હતા. જો કે, આરોપીઓ સગીર હોવાના કારણે તેમના વાલીઓએ પણ પોલીસનો ભારે વિરોધ કર્યો હતો અને એ વખતે થોડુ ઘર્ષણ પણ સર્જાયું હતું. બીજીબાજુ, વિદ્યાર્થીનીઓના પરિવારજનો અને સ્થાનિક રહીશો ખૂબ મોટી સંખ્યામાં શાળા પર ઉમટયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા વાલીઓ ખૂબ આક્રોશમાં હોઇ તેમણે શાળા પર જોરદાર હોબાળો મચાવ્યો હતો અને શાળા સંચાલક તેમ જ સ્થાનિક પોલીસ વિરૂધ્ધ નારાઓ અને સૂત્રોચ્ચાર લગાવી આરોપીઓની ધરપકડ કરવા ઉગ્ર માંગણી કરી હતી. જેને પગલે સરદારનગર પોલીસે આ પ્રકરણમાં બે સગીર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે, વાલીઓનો રોષ શાંત થયો ન હતો. ઉશ્કેરાયેલા વાલીઓએ શાળા પર એક તબક્કે પથ્થરમારો કર્યો હતો.વાલીઓએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર તત્વો પાંચથી છ જેટલા છે અને તેથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. પોલીસે વાલીઓને આ ગુનામાં અન્ય જે કોઇ અસામાજિક તત્વો સંડોવાયેલા હશે, તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી અને આખરે મામલો થાળે પડયો હતો. જો કે, વાલીઓના હોબાળા અને આરોપીઓની ધરપકડને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.