અમદાવાદ, તા.૭
રાજ્યના ખેડૂતોને ઉનાળુ ખેતી માટે નર્મદાનું પાણી મળવાનું નથી એ વાત તો વિધાનસભાની ચૂંટણી પહેલાંથી નક્કી હતી પરંતુ ચૂંટણી જીતવાના ખેલમાં પ્રજાને અંધારામાં રાખવામાં આવી હતી. ચૂંટણી અગાઉ સરદાર સરોવર ડેમના દરવાજા બેસાડ્યા બાદ પાણી ન ભરાતા રાજ્યમાં ભયાનક જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ માટે પ્રજાને અંધારામાં રાખનાર શાસક ભાજપ જવાબદાર છે જ પરંતુ આંખ આડા કાન કરનાર વિપક્ષને પણ એટલા જ જવાબદાર ગણી શકાય.
ચોમાસા પછી એટલે કે ૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ નર્મદાના પાણીનો આવરો માત્ર ૬૧૦૩ કયુસેક હતો, જે અગાઉના વર્ષે આ તારીખે ૬૪,૪૯૩ ક્યુસેકનો હતો. સત્તાવાર રીતે નર્મદા કંટ્રોલ ઓથોરિટી તરફથી તમામ લાભાન્વિત રાજ્યોને જળફાળવણી અડધી કરી દેવાઈ હતી. છેલ્લાં ૯૦ વર્ષની વરસાદ અને જળપ્રાપ્તિની માહિતીને આધારે એકદમ વૈજ્ઞાનિક અભ્યાસ કરીને, વર્ષ ૧૯૭૯માં એ.એન.ખોસલા એવોર્ડ જાહેર કરાયો હતો. એ મુજબ,નર્મદા યોજનાનું ૨૮ મિલિયન એકર ફીટ પાણી ચાર રાજ્યોને ફાળવી શકાય એવો અંદાજ મૂકાયો હતો. મધ્ય પ્રદેશને ૧૮.૨૫ મિ.એ.ફીટ, ગુજરાતને ૯ મિ.એ.ફીટ, રાજસ્થાનને ૦.૫૨ મિ.એ.ફીટ અને મહારાષ્ટ્રને ૦.૨૫ મિ.એ.ફીટ પાણી ફાળવવાની જોગવાઈ કરાઈ હતી. આ વર્ષે જળઉપલબ્ધતા અડધી થતાં મધ્ય પ્રદેશને માત્ર ૯.૫૫ મિ.એ.ફીટ, ગુજરાતને માત્ર ૪.૯ મિ.એ.ફીટ, રાજસ્થાનને માત્ર ૦.૨૬ મિ.એ.ફીટ અને મહારાષ્ટ્રને માત્ર ૦.૧૩ મિ.એ.ફીટ પાણી મળે એ નિર્ણય ઓથોરિટી થકી થયો હતો.
વિપક્ષના પ્રચારથી વિપરીત, નર્મદાનું જે પાણી ગુજરાતને ઉપલબ્ધ થાય એમાંથી માત્ર ૦.૨ મિ.એ.ફીટ પાણી જ ઉદ્યોગોને ફાળવવાનું હોય છે, જયારે ૦.૮૬ મિ.એ.ફીટ પાણી પીવા માટે અપાય છે.બાકીનું સિંચાઈ માટે છે.જોકે વર્ષ ૨૦૧૩-૧૪માં નર્મદા નદીમાંથી વાપરવા લાયક પાણીનો કુલ જથ્થો છેલ્લા દોઢ દાયકામાં સૌથી વધુ એટલેકે ૬૦.૧૬ મિ.એ.ફીટ હતો, તે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને માત્ર ૧૪.૬૬ મિ.એ.ફીટ થયો. અગાઉનાં વર્ષોમાં નર્મદાનાં નીર ખૂબ વેડફાયાં. હવે તો નર્મદા ડેમ પર પેલા દરવાજા મૂકાયા પછી સતત ઘટતી રહેલી જળસપાટી ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સત્તાવાર રીતે ઘટીને ૧૧૧.૮૬ મીટર થઇ ગઈ છે. એ સપાટી ૧૧૦.૭ મીટર થાય એટલે પાણી છોડવાનું બંધ કરી દેવાય અને ભૂગર્ભ ટનલવાળા પાણીનો વિચાર કરવો પડે. અહીં માત્ર પાણીની જ વાત નથી. બહુ ગજવાયેલા વિદ્યુત ઊર્જાના ઉત્પાદનના નર્મદા ડેમ ખાતેના પાવરસ્ટેશનની કામગીરીને પણ પ્રતિકૂળ અસર થશે. હકીકતમાં નર્મદા મુદ્દે રાજકીય લાભ ખાટવાના જે વિવાદ ચૂંટણી ટાણે સર્જવામાં આવે છે, એ સંબંધિતો પણ જાણે છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટી થકી જ બધા નિર્ણયો લેવાય છે. ખેડૂતોને ખરીફ અને રવિ પાક માટે જ નર્મદાનાં જળ આપવાની સત્તાવાર જોગવાઈ છતાં પાણી વધુ ઉપલબ્ધ હોવાને કારણે ઉનાળુ પાક માટે પણ પાણી અપાતું રહ્યું છે. જો કે આ વર્ષે નર્મદા ડેમની જળસપાટી ખૂબ જ ઓછી હોવાને કારણે, વર્ષ ૨૦૧૩માં મુખ્યમંત્રી તરીકે ખેડૂતોને “પાકના બમણા ભાવનું” વચન આપનાર, વર્તમાન વડાપ્રધાન પણ ઉનાળુ ખેતી માટે પાણી આપવા મધ્યસ્થી કરવાની સ્થિતિમાં નથી. છેવટે રાજ્યના મુખ્ય મંત્રીએ અલોકપ્રિય એવી “ઉનાળુ ખેતી માટે નર્મદાનાં જળ નહીં આપી શકાય” એ જાહેરાત કરવી પડી છે. ચૂંટણી પહેલા વિપક્ષ નર્મદા ડેમની જળ સપાટી વિશે ઘોરતો રહ્યો અને સત્તાપક્ષ નર્મદા યોજનાના રાસડાથી રાજકીય તરભાણા ભરવા માહિતી છૂપાવતો રહ્યો. એટલે ડેમને દરવાજા લાગ્યા, ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈ સર કરાઈ અને પીવાના પાણીની “સૌની યોજના”ના સમારંભોથી પ્રજા ખુશખુશાલ હતી.