સુરેન્દ્રનગર, તા.ર૪
વિધાનસભામાં આજે નર્મદા વિકાસ યોજનાની બજેટની માંગણી પરત્વે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા કોંગ્રેસના સમયમાં અત્યંત વિકટ પરિસ્થિતિમાં નર્મદા ડેમના પાયાનું બાંધકામ કઈ રીતે કર્યું, તેની તલસ્પર્શી છણાવટ કરવામાં આવી હતી. કોંગ્રેસના સમયમાં ડેમના ફાઉન્ડેશનથી લઈને ૧૧પ મીટર સુધીની ઊંચાઈનું બાંધકામ કરવામાં આવ્યું. ભાજપની સરકારે માત્ર ૪૮ મીટર ઊંચાઈ વધારવાનું કામ કર્યું છે. આમ નર્મદા ક્ષેત્રે કોંગ્રેસનું યોગદાન વધારે છે તેમ જણાવ્યું હતું.
ઉપરાંત તત્કાલિન નર્મદાના ચેરમેન સ્વર્ગીય સનતભાઈ મહેતાને યાદ કરીને જણાવ્યું કે, દસાડા વિધાનસભા મતવિસ્તારમાં દસાડા, પાટડી, લખતર અને લીંબડીના નળકાંઠા વિસ્તારમાં નર્મદાની મહત્તમ બ્રાંચ કેનાલો આવેલી છે અને આ બ્રાંચ કેનાલોમાંથી અનેક ડિસ્ટ્રીબ્યુટરી તથા માયનોર અને સબ માયનોર કેનાલોનું વિશાળ નેટવર્ક પથરાયેલું છે. તેમ છતાં આ વિસ્તારના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ બિલકુલ વરસાદ નથી અને સંપૂર્ણ અછતની પરિસ્થિત છે. ત્યારે બીજી તરફ ખેડૂતોના ગામ સુધી કેનાલ તો બની ગઈ છે. પરંતુ પાણીનું ટીપું પણ મળતું નથી. આ બ્રાંચ કેનાલોમાં જેટલું પાણી છોડવામાં આવે છે તેટલા પાણીથી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોના શરૂઆતના બે કે ત્રણ ગામ સુધી માંડ-માંડ પાણી પહોંચે છે. જ્યારે આ કેનાલોના આખરી ગામોમાં પાણી પહોંચતું જ નથી. આ ગામડાનો ખેડૂત પાણી માટે વલખાં મારતો નિઃસાસો નાંખતો જોતો રહી જાય છે. આમ દસાડાના ધારાસભ્યે સરકારની નર્મદાની નીતિની પોકળતા છતી કરેલ છે.
નર્મદાના પાણી છોડવાના સરકારના દાવાની પોકળતાં ગૃહમાં છતી કરતા ધારાસભ્ય સોલંકી

Recent Comments