અમદાવાદ, તા.૨
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે નહેરમાંથી ખેડૂતો પાણી મેળવતા હોય તે નહેરના ૫૦ ટકા કરતા વધું લાભાર્થી ખેડૂતો પાણી માટેના માગણી પત્રકો ભરીને માગણી કરશે તે જ નહેરમાંથી પાણી આપવામાં આવશે તેવી કરેલી જાહેરાતથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આવા મનઘડત નિર્ણયથી હજારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બનશે તેવું કોંગ્રેસનું માનવું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરદાર સરોવર નિગમે અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ તાલુકામાંથી પસાર થતી નહેરોમાંથી નિયત વિસ્તારોના તમામ ગામોના સિંચાઈકારોને આગામી ખરીફ ઋતુમાં નમર્દા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું આયોજન કર્યું છે.
ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયાનું પાણી કરી નર્મદા મહોત્સવ ઉજવી રહેલી ભાજપ સરકારના સરદાર સરોવર નિગમ લિમિટેડે ખરીફ ઋતુમાં સિંચાઈ માટે ખેડૂત ભાઈઓ પાસેથી પાણી માટેના માંગણા પત્રકની જાહેરાત આપી છે. જે ખરેખર ખેડૂતો માટે પીવાનું પાણી અનેે સિંચાઈ સુવિધા પુરી પાડી સમગ્ર રાજ્યનું અહિત કર્યું હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલે સીધો આરોપ મૂક્યો છે કે, ભાજપ સરકારે નર્મદાને ખેડૂતો માટે સાચા અર્થમાં જીવાદોરી બનાવવાનાં બદલે નર્મદા કેનાલમાંથી પાણી માટે માંગણા પત્રક ભરાવવા એ ખેડૂતોની મશ્કરી સમાન છે.
સરકારી તિજોરીમાંથી પ્રજાના પરસેવાના કમાણીના કરોડો રૂપિયા વેડફીને હંમેશા ભ્રામક પ્રચારોથી પ્રજાને છેતરતા ભાજપ સરકારે નર્મદાનું પાણી ખેડૂતોને મફત અને જોઈએ તેટલું પાણી આપવું જોઈએ અને જેમાં કોઈ ફોર્મ ન ભરવાનું કે ચાર્જ પણ નહીં લેવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનોે હોય.
આ નર્મદા કેનાલમાંથી સંકટ સમયે પાણી લેનાર ખેડૂતોની પાણીની મોટર અને પાઈપો કેનાલમાં ફેંકી દેનાર ભાજપ સરકારે નર્મદા કેનાલ માટે જમીન આપનાર ખેડૂતોને જ જેલમાં પૂરવાની ધમકી આપી અહિત કર્યું છે. ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે હજારો ખેડૂતો તેમના પાકવીમા માટે છેલ્લા ઘણાં વર્ષોથી ફાંફા મારે છેે. ભાજપ સરકારે ગુજરાતમાં પાકવીમો મેળવવા માટે જરૂરી પાણીપત્રક અને ૭માં પાકની વિગતો નોંધવામાં ૧૨વર્ષ સુધી ખેડૂતોને અનેક કિસ્સાઓમાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી. ખેડૂતોને તેમના નિયમ મુજબ મળતાં લાભો પણ ભાજપ સરકારે અટકાવી રાખ્યા છે અને હજારો ખેડૂતોના અધિકાર છીનવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોના હિતની દુહાઈ દેતા મુખ્યમંત્રી અને ભાજપ સરકારે ગુજરાતના કેટલા ખેડૂતોનું દેવું કેટલું માફ કર્યું તે જાહેર કરે.