અમદાવાદ,તા. ૨૨
ઉનાળા પહેલાં જ ગુજરાતમાં પાણીની તીવ્ર તંગી અને અછતના એંધાણ મળી રહ્યા છે. કારણ કે, હજુ ઉનાળો શરૂ થાય તે પહેલાં જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી ડેડવોટર ખેંચાવાની શરૂઆત થઇ ગઇ છે. સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ૧૧૦.૬૪ મીટર(૩૬૩ ફીટ) કરતાં પણ ૧૧૦.૧૯ મીટરની નીચી સપાટીએ જતુ રહેવાથી સરદાર સરોવર નિગમ લિમિટેડએ ગુજરાતમાં ઈરીગેશન બાયપાસ ટનલ(આઇબીપીટી)માંથી ગઇકાલે પાણી છોડવાનું શરૂ કર્યું હતું. હાલમાં ૧૧૦.૩૭ મીટરની સપાટીએ ત્રણ હજારથી નવ હજાર કયુસેક પાણી આઇબીપીટીમાં છોડવામાં આવી રહ્યું છે. આ જથ્થો અનેક શહેરો અને ગામડાઓને તા.૩૦ જૂન સુધી પાણીનો સપ્લાય પૂરો પાડશે એવુ મનાઇ રહ્યુ છે. અત્યારસુધીમાં સૌપ્રથમવાર એવું બન્યું છે કે, નર્મદા ડેમમાં ઘટેલા પાણીથી ઉભા થયેલા જળસંકટને નિવારવા ૧૭ વર્ષમાં સૌપ્રથમવાર સરદાર સરોવર નિગમની ઇરીગેશન બાયપાસ ટનલ(આઇબીપીટી)નો ઉપયોગ કરાશે. સરદાર સરોવર નિગમ લિમિટેડએ તેના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ એમ બંને પાવર હાઉસ બંધ કરવા પડયા છે. બીજી ગંભીર ચિંતાની વાત એ છે કે, મુખ્ય કેનાલમાં તા.૧૫મી માર્ચ સુધી એટલે કે, રવિ પાકની ઋતુના અંત સુધી જ પાણી આવશે. તે પછી ખેડૂતોને ઉનાળામાં પાણીની માંગ ન કરવા જણાવી દેવાયું છે. આ ઉનાળે સિંચાઇનું પાણી આપવા માટે નર્મદા પાસે કોઇ વ્યવસ્થા નથી, નર્મદા બેઝીનમાં અત્યારે માત્ર ૪૫ ટકા જ પાણી ઉપલબ્ધ છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, સામાન્ય્‌ રીતે રિવર બેડ પાવર હાઉસ જયારે પાણીના નીચેના સ્તરના કારણે બંધ હોય છે ત્યારે કેનાલ હેડ પાવર હાઉસ વીજ ઉત્પાદન માટે તે કેનાલમાં છોડાય તે પહેલાં ઉપયોગ કરી લે છે. જો કે, ડેમનો સંગ્રહ ડેડ સ્ટોરેજથી ઓછો ૧૧૦.૬૪મીટરનો થઇ ગયો છે. આથી મુખ્ય કેનાલમાં પાણી છોડવાની મર્યાદા આઠ હજાર કયુસેક કરી દેવામાં આવી છે. વધારાના ૬૦૦ કયુસેક પાણી ગોડબોલે ગેટમાંથી વહી રહ્યું છે, જે ભરૂચમાંથી વહેતી નર્મદામાં જાય છે.