નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થતા નર્મદા ડેમના ર૩ દરવાજા ખોલવાની ફરજ પડી છે. પરિણામે નદીમાં પૂર આવતા ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ભયજનક ર૪ ફૂટને વટાવી ૩૩ ફૂટે પહોંચી ગઈ છે. પરિણામે ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ગામોમાં પાણી પ્રવેશી જતાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં પણ પાણી ફરી વળતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નાવડીઓ ફેરવવાની ફરજ પડી હતી. સ્થાનિકોને તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી કરવાની ફરજ પડી હતી.