(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.૧૪
ઉનાળાનાં દિવસો ચાલુ થતાં જ રાજયમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યા છે. ત્યારે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક એક નોટિકલ માઈલ દૂર શિયાળ બેટ ટાપુ આવેલો છે. ચોતરફ દરિયાથી ઘેરાયેલ આ ટાપુ પર જવા આવવા હોડીનો સહારો લેવો પડે છે. અહીં ખાસ કરી પાણીની વિશેષ તકલીફ છે. અહીં ડંકી તથા દારનું પાણી ખારું આવે છે. લોકો તે જ પાણી પી રહ્યા છે. સવાર થતાં જ લોકો ડંકી પાસે એકઠા થઇ પાણી ભરતા જોવા મળે છે લોકોને પાણીની પારવાર મુશ્કેલીઓ જો કે સ્થાનિક રહીશોની હાલાકી નિવારવા છે.
સરકાર દ્વારા અહીં ટાપુ પર નર્મદાનું પાણી મળી રહે તે માટે દરિયામાં પાણીની પાઇપલાઇન નાંખવાનું કામ ચાલુ છે. જે આગામી દિવસોમાં પૂર્ણતાના આરે છે. જેથી લોકોને મીઠું નર્મદાનું પાણી દરિયામાં થઈને લોકો સુધી પહોંચશે.
અમરેલી કાર્યપાલક ઈજનેર આર.એસ.ઉદેનિયા જણાવે છે કે, અહીં શિયાળબેટ દરિયાઈ ટાપુ છે. જેના વસતા ૧૫ હજાર લોકો માટે મીઠું પાણી મળી રહે તે માટે ખાસ ૬ કિ.મી. દૂર ચાંચ ગામના સંપમાંથી નર્મદાનું પાણી દરિયામાં પાઇપલાઇન બેસાડી લાવવાનું કામ હાલ હાથ ધરાઈ રહ્યું છે. જેથી અહીં લોકોને પણ આગામી થોડા દિવસોમાં મીઠું પાણી મળી રહેશે. અત્રે નોંધનીય છે કે, ખાસ કરી સરકાર દ્વારા અહીં લાઈટ પણ દરિયામાં કેબલ નાંખીને આપવામાં આવી છે.