વડોદરા, તા.ર૮

વડોદરામાં કોરોના વાયરસના વધી રહેલા વ્યાપે તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે. નર્મદા ભવનમાં પૂર્વ વિસ્તારના નાયબ મામલતદારને (વહીવટ) કોરોના પોઝિટિવ આવતા નર્મદા ભવનમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ નાયબ મામલતદાર જનસેવા કેન્દ્રમાં આવ્યા હોવાથી જનસેવા કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત  એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં પ્રાધ્યાપકને કોરોના પોઝિટિવ આવતા પ્રાધ્યાપકના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અનલોક-રમાં નાગરિકોની સુવિધા માટે નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, કોરોનાના વધી રહેલા વ્યાપમાં વડોદરાના પૂર્વ વિસ્તારના નાયબ મામલતદારને (વહીવટ) કોરોના પોઝિટિવ આવતા નર્મદા ભવન સ્થિત સરકારી કચેરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોરોનાગ્રસ્ત નાયબ મામલતદાર જનસેવા કેન્દ્રમાં આવ્યા હોવાથી, સાવચેતીના ભાગરૂપે જનસેવા કેન્દ્રની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને આજે જનસેવા કેન્દ્રને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એક પ્યુનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સોમવારે કોમર્સ ફેકલ્ટીના એક પ્રાધ્યાપકને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાધ્યાપકને કોરોના પોઝિટિવ આવતા તમામ પ્રાધ્યાપકને વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત પ્રાધ્યાપકના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે કોમર્સ ફેકલ્ટીમાં તકેદારીના ભાગરૂપે સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું, તેમ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું.