અમદાવાદ,તા. ૬
૨૨ વર્ષ સુધી નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટ હતું. નરેન્દ્ર મોદીના કારણે રાજ્યમાં અને કેન્દ્રમાં નર્મદા પરનું સંકટ દૂર થયું છે. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન સમયે ૧૦ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજુરી ન આપી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજાની મંજુરી મળી, ત્યારે કોંગ્રેસ હતાશા અને ઇર્ષ્યામાં હતી. કોંગ્રેસે નર્મદા યોજનાને વારંવાર ખોરંભે પાડવાનું તે પાપ કર્યું છે તે ગુજરાતની જનતા ક્યારે ભુલી શકશે નહીં. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની લાગણીને માન આપીને ભાજપ સરકારે જે તે સમયે પાણી આપ્યું તેનો વિરોધ કોંગ્રેસ અત્યારે કેમ કરી રહી છે. એકબાજુ કોંગ્રેસ ખેડૂતોને પાણી આપવાનું કહે છે, બીજી બાજુ ભાજપે ખેડૂતોને પાણી આપ્યું તે ખોટું કર્યું છે તેમ જણાવે છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરીને પાણીના મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સરવાનું કામ કરી રહી છે. પંડ્યાએ જણાવ્યું હતું કે, નર્મદા ઓથોરિટી જે પાણી નિયમન-નિયંત્રણ કરે છે તેણે પાણીમાં કાપ મુક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેના સંદર્ભમાં ખેડૂતોના હિતમાં માત્ર સ્પષ્ટતા જ કરી છે ત્યારે કોંગ્રેસ તેનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરે.