રાજપીપળા, તા.૧૦
નર્મદા ડેમના વિસ્થાપિતો છેલ્લા એક વર્ષથી પોતાની વિવિધ માગણીઓને લઈને કેવડિયામાં પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. આ પ્રતિક ઉપવાસના એક વર્ષ અને ત્રણ દિવસ થયા હતા ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ તેમની માગણીઓ ૨૦ દિવસમાં પૂરી કરીશું એમ જણાવી નર્મદા વિસ્થાપિતોને પારણા કરાવતા આંદોલન સમેટાયું હતું. ગુજરાત સરકારે નર્મદા ડેમના વિસ્થાપિતોને લોલીપોપ આપ્યા હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે મોટી સંખ્યામાં વિસ્થાપિતો ભેગા થઇ નર્મદા નિગમ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાથી લઇ મુખ્યમંત્રી અને રાજ્યપાલને લેખિત રજૂઆત કરી કેવડિયામાં પુનઃપ્રતિક ઉપવાસ પર બેઠા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નર્મદા ડેમ મુલાકાત પહેલા કેવડિયામાં રાજકારણ ગરમાયુ, રવિવારે કેવડિયામાં અસરગ્રસ્તોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ, માજી ધારાસભ્ય પી.ડી.વસાવા સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આવી પહોંચ્યું હતું અને અસરગ્રસ્તોને તેમની માગણીઓ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી. સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મહોત્સવના નામે ભાજપે ઇતિહાસમાં પ્રથમવાર રાજકીયકરણ કરેલું છે. દરેક પક્ષની સરકારે નર્મદા યોજનાને પ્રાધાન્ય આપ્યું છે પણ બધાને ભાજપ ભૂલી ગઈ છે. ૧૯૮૭માં ડેમના પાયાનું કામકાજ શરૂ થયું હતું અને ૧૯૯૪માં ડેમનું ૦થી ૮૦ મીટર કામકાજ થયું હતું. નર્મદા યોજનાનું સૌથી વધુ કામ કોંગ્રેસની સરકારમાં થયું છે. ૪૦,૦૦૦ કિલોમીટર કેનાલો બાકી છે અને યોજના પૂરી થઈ હોવાના ભાજપ સરકાર દાવા કરે છે. અસરગ્રસ્તના તમામ પ્રશ્નોને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવશે. ભાજપના રાજમાં તોફાનો બંધ થયાના અમિત શાહના દાવા અંગે જણાવ્યું હતું કે, જ્યારે તોફાનો કરનારા જ સત્તામાં બેઠા હોવાથી તોફાનો બંધ થયા છે. એની પાછળ વિકાસ કોઈ કારણ નથી.