ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળ સરોવરમાં ભરપૂર પાણી આવતા હાલ આ સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. આથી દર વર્ષે વિદેશથી આવતા પક્ષીઓ માટે ખોરાકનો પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે, ભરપૂર પાણીમાં પક્ષીઓને ખોરાક મળવામાં મુશ્કેલી પડે છે. છિછરા પાણીમાં જ આ પક્ષીઓને ખોરાક મળી રહે છે. આથી ખોરાકની શોધમાં આ પક્ષીઓ આમ-તેમ ફાંફાં મારી રહ્યા હતા, ત્યાં તેમને નળ સરોવરની નજીકમાં આવેલા એક તળાવમાં ભરપૂર ખોરાક જણાતા હાલ આ યાયાવર પક્ષીઓએ ત્યાં ધામા નાખ્યા છે.