કોડીનાર,તા.૩
વિશ્વ પર્યાવરણીય સુદૃઢ રાખવાના ઉમદા હેતુ અને ગીર જંગલના વન્ય પ્રાણી-પક્ષીઓની સમગ્ર સૃષ્ટીના કલ્યાણ અર્થે ગીર જંગલમાં આવેલ સુપ્રસિદ્ધ ગીર કનકાઈ મંદિર ખાતે તા.૬/પના રવિવારે ૧૦૮ નવચંડીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના રાજકીય અગ્રણીઓ હાજર રહેવાના હતા. પરંતુ જંગલખાતાની મંજૂરી ન મળતા મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થયો હોવાનું જાણવા મળેલ છે. આ અંગે બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોષીએ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગીર જંગલ મધ્યમાં આવેલ કનકાઈ મંદિરે આ કાર્યક્રમ વન્યખાતાના નિયમ મુજબ અને પર્યાવરણ બચાવવાના સિદ્ધાંતને લક્ષમાં રાખી કરવામાં આવતો હોવા છતાં વન્ય વિભાગે આ કાર્યક્રમની મંજૂરી ન આપતા મુખ્યમંત્રીનો કનકાઈ મંદીરનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું અને આ અંગે મુખ્યમંત્રીને પણ જાણ કરી તેમનો કાર્યક્રમ મંજૂરીના વાંકે રદ કર્યો હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમ સિવાયના બાકીના તમામ કાર્યક્રમો રાબેતા મુજબ જ યોજાનાર હોવાનું છેલભાઈ જોષીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમને વન વિભાગે મંજૂરી ન આપતા સમગ્ર બ્રહ્મ સમાજ લાલધુમ થયાની સાથે વન વિભાગ પ્રત્યે ભારે રોષની લાગણી જન્મી છે.