અમદાવાદ, તા.૬
માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવાર્યો હોય એવી ઘટના શહેરના અમરાઈવાડીમાં સામે આવી છે. અમરાઈવાડીમાં બાળકો રમતા હતા ત્યારે અચાનક તેઓએ બુમાબુમ શરૂ કરી હતી. જેથી લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો નવજાત બાળકી પશુ પક્ષીઓએ કોતરી ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃત બાળકી અંગે પોલીસને જાણ કરતા બાળકીને ત્યજનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રવિવારનો દિવસ હોવાથી સહુ કોઈ પોતાના પરિવાર સાથે વહેલી સવારે ચા નાસ્તો કરતા હતા. તેવામાં સુખ સાગર ઔડાના મકાનમાં રમતા બાળકોએ અચાનક હો હા કરી મૂકી હતી. જેથી લોકો ત્યાં શુ થયું તે જોવા દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું તો એક નાનું બાળક મૃત હાલતમાં હતું. જેથી સ્થાનિકે આ મામલે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. તાત્કાલિક અમરાઈવાડી પોલીસ ત્યાં પહોંચ્ચી હતી. પોલીસને જાણ કરનારની પૂછપરછ કરવામાં આવી હતી. મૃત નવજાત બાળકીના શરીર પર અનેક ઘા હતા. તેને લોહી પણ નીકળતું હતું અને તેના ઘા જોઈને બાદમાં પોલીસે પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવ્યું કે પશુ પક્ષીઓએ આ બાળકીને કોતરી નાખી હોઈ શકે. આ બાળકીને તરછોડી ત્યારે જીવિત હાલતમાં હોઈ શકે પણ પશુ પક્ષીઓએ કોતરી નાખતા તેનું મોત થયું હોવાની શંકા પોલીસે સેવી હતી. હવે પોલીસે બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેને તરછોડી જનારની શોધખોળ હાથ ધરી છે.