દશેરા-લોક મેળા તથા રામલીલા-રાવણ દહન વગેરે પર પણ પ્રતિબંધ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નવરાત્રિ ગરબાના આયોજનો અંગે વિવિધ અટકળો થઈ રહી હતી. આ તમામ અટકળોનો અંત આણતી ગાઈડલાઈન આજે સરકારે જાહેર કરી છે. જેમાં નવરાત્રિથી લઈને દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સહિતના તહેવારોની ઉજવણી માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી ર૦૦થી વધુ વ્યક્તિઓ કોઈપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકશે નહીં તેવું કરાવ્યું છે. આ સાથે રાજ્યમાં નવરાત્રિમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં માત્ર જાહેરમાં ગરબી કે મૂત્રિ સ્થાપન તથા પૂજા-આરતી કરી શકાશે લગ્ન સમારંભ તથા મૃત્યુ અંગે લોકોની મર્યાદા રખાઈ છે. રાજ્ય સરકારે આજે તહેવારોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નવરાત્રી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર કોરોનાનું સંક્રમણ ન વધે તેની કાળજી રાખે છે, જેના કારણે અમે નવરાત્રિમાં છૂટ આપી નથી. ગઈકાલે સીએમના નિવાસસ્થાને મિટીંગ મળી હતી. જેમાં ગુજરાતમાં અગત્યના તહેવારો છે તેમાં સરળતા આપવી તેની ચર્ચા કરવામાં આવી હતી. મિટીંગમાં હાજર તમામના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને અંતે તમામના અભિપ્રાયો બાદ આખરી નિર્ણય કરાયો છે. ગઈકાલે લાંબી ચર્ચા વિચારણા બાદ આજે દિવાળી અને નવરાત્રિને લઈને નિર્ણય લેવાયો છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમોએ કોરોના મહામારીમાં એએમએનો અભિપ્રાય અને મીડિયા રિપોર્ટ જોઈ નક્કી કર્યો છે. કોરોના મહામારીના કારણે ખૈલેયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર પૂજા અર્ચના કરી શકશે પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય. આ વર્ષે કોઈ પણ પ્રકારની ગરબાની મંજૂરી મળવાની કોઈ આશ નથી. ધાર્મિક બાબતો સાથે નવરાત્રિ જોડાયેલી છે. નવરાત્રિના ૯ દિવસ ભક્તિ થાય છે. માટે અમે નક્કી કર્યું કે, નવરાત્રિમાં પૂજા કરવી. ૨૦૦ લોકોની હાજરીમાં ગરબી લાવી શકશે અને આરતી કરી શકાશે. ભક્તિ ભાવ પૂર્વક આરતીની છૂટ આપી છે.
નીતિન પટેલે જણાવ્યું કે, એક ગામમાં ૧૦ જગ્યાએ છૂટું છૂટું કરવું હોય તો દરેક પોતપોતાની રીતે કરી શકશે. ગરબા માટે અમોએ મંજૂરી માટે લાંબી પ્રક્રિયા રાખી નથી. દિવાળી સુધીના તહેવારો અમે ધ્યાનમાં લીધા છે. એક પરિસરમાં ૨૦૦થી વધુ લોકો નહીં રહી શકે. કોઈપણ મંદિરમાં કોઈ ટ્રાફિકના થાય તે ધ્યાન રાખવું પડશે. કોમન પ્લોટ, મોટા પ્લોટ, હોલ, ટાઉન હોલ આ તમામની અમે વ્યાખ્યા કરી છે, જે હોલ હોય તેમા ૨૦૦ લોકોને પ્રવેશ આપી ધાર્મિક પ્રોગ્રામ કરી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન શેરી ગરબાને મંજૂરી આપવા માટે રૂપાણી સરકાર વિચારણા કરી રહી છે. ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારૂં હતું ને લોકોને લાગેલું કે પાર્ટી પ્લોટમાં તો નહીં પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે પણ હવે સકરકારે કોઈપણ પ્રકારના ગરબાને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થળે ગરબાનાં જાહેર આયોજન કરી શકાશે નહી. પાર્ટી પ્લોટમાં પણ આયોજન કરી શકાશે નહીં, શેરી ગરબા પણ નહીં યોજી શકાય. નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય તથા પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે. આ ઉપરાંત ૨૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તેમજ ગરબી અને મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતીનો કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારે જાહેર કરેલી એઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.