મોરબી, તા.ર૦
મોરબી જિલ્લાના એકમાત્ર બંદર એવા નવલખી બંદરે નવી જેટી બાંધવા અંગે વખતોવખત મોરબી-માળિયા (મિં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા માંગણી કરતા રહ્યા હતા. ગુજરાત વિધાનસભામાં નવલખી બંદરે નવી જેટી બાંધવાના ધારાસભ્યના પ્રશ્ન અન્વયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નવલખી બંદરે અંદાજે રૂા.૧૭૩.૧૧ કરોડના ખર્ચે નવી જેટી બાંધવા માટે ટેન્ડર પ્રક્રિયા કાર્યરત છે. પર્યાવરણીય મંજૂરી મળ્યે ટૂંક સમયમાં આ કામગીરી હાથ ધરી સમયસર પૂર્ણ કરાશે.
સાથોસાથ માળિયા(મિં)ના દરિયાકાંઠાની વેસ્ટલેન્ડમાં જીંગા ઉછેરની માંગણી પણ કરી હતી તેમજ માળિયા (મિં) વિસ્તારના મીઠાના મોટા કારખાનેદારો દ્વારા ગેરકાયદેસર બંધાયેલા પાળાને લીધે માછીમારીના ધંધાને થઈ રહેલ નુકસાન અંગેના પ્રશ્નનો પણ વિધાનસભામાં બ્રિજેશ મેરજાએ પડઘો પાડયો હતો.