(એજન્સી) તા.૧
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નવા કૃષિ કાયદાને ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને નબળો કરનાર ગણાવતા કહ્યું કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી આ કાયદાઓ અંગે પુનઃવિચારણાં કરશે. રાહુલ રવિવારે રાજધાની રાયપુર સ્થિત મુખ્યમંત્ર નિવાસે રાજ્યોત્સવ કાર્યક્રમનો વીડિયો લિન્કના માધ્યમથી સંબોધી રહ્યા હતા. રાહુલે આ દરમિયાન રાજ્યની પ્રજાને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ મુશ્કેલીનો સામય છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. આવા સમયે જે નબળા લોક હોય છે તેમને સૌથી વધુ મુશ્કેલી નડે છે. ખેડૂત, મજૂરો, નાના દુકાનદારો, આપણી માતાઓ, બહેનો, યુવાઓ આ બધાને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે દેશમાં ખેડૂતોની હાલત વિશે બધાને માહિતી છે. ખેડૂતોના આપઘાતના સમાચાર મળતા રહે છે. એક રીતે દેશએ સ્વીકારી લીધુ છે કે ખેડૂત આપઘાત કરે છે પણ આપણે સ્વીકારી રહ્યાં નથી. આપણે ખેડૂત, મજૂરો, નાના દુકાનદારોની સુરક્ષા કરવી જોઈએ. તેની સાથે મળીને તેમને ટેકો આપવો પડશે. કેમ કે ખેડૂત અને મજૂરો આ દેશના પાયા છે. જો તે નબળા થશે ત્યારે દેશનો પાયો પણ નબળો થઈ જશે. જો આપણે તેમની રક્ષા કરીશું તો દેશ પણ મજબૂત થશે. ગાંધીએ કહ્યું કે મને દુઃખ થાય છે કે દેશમાં ખેડૂતો પર આક્રમણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે મેં અમુક દિવસો પહેલા બિહારમાં ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે સમર્થન મૂલ્ય અને મંડીઓનું જરૂરી સ્થાન છે. આ ખેડૂતો અને મજૂરોની સુરક્ષા કરે છે. જો આ વ્યવસ્થાને ખતમ કરી દઈશું તો આપણા ખેડૂતો અને મજૂર નષ્ટ થઈ જશે.