(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કોરોના વાયરસના વધતા કેસો અને કેટલાક દેશોમાં સ્કૂલો ખૂલ્યા પછી બાળકોને ઈન્ફેક્શન લાગવાના સમાચારે ભારતીય વાલીઓને ચિંતામાં મૂક્યા છે. બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા અંગે વાલીઓ ચિંતિત છે. ૨૨૪ જિલ્લાઓના મોટાભાગના વાલીઓ આશ્વસ્ત નથી કે સ્કૂલો સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસ પાલન કરાવી શકશે અને વાયરસને ફેલાતો રોકવા માટેના અન્ય પગલાં સચોટ રીતે ભરશે. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા કરતાં ઓનલાઈન શિક્ષણને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે, તેમ એક સર્વેમાં જણાવાયું છે. એક તરફ HRD મંત્રાલય શાળાઓ ફરીથી શરૂ થાય તે માટે ગાઈડલાઈન્સ તૈયાર કરી રહ્યું છે ત્યારે વાલીઓ બાળકોને ફરી મોકલવા માટે જરાય ઉતાવળ નથી. સર્વેમાં સામેલ કરાયેલા માત્ર ૧૧ ટકા વાલીઓ ઈચ્છે છે કે શાળાઓ જૂના કેલેન્ડર મુજબ ફરી શરૂ થાય. લોકલ સર્કલ્સ નામના નોન-પ્રોફીટ સોશિયલ મીડિયા કમ્યુનિટી ગ્રુપ દ્વારા દેશભરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ વિગતો બહાર આવી છે. સર્વેમાં સામેલ થયેલા ૧૮૦૦૦ વાલીઓમાંથી ૩૭ ટકાનું માનવું છે કે જિલ્લા અને તેની આસપાસના ૨૦ કિલોમીટરના વિસ્તારમાં ૨૧ દિવસ સુધી એકપણ કેસ ના નોધાયો હોય તો જ સ્કૂલો ફરી શરૂ કરવી જોઈએ. જો કે ૨૦ ટકાથી વધુ વાલીઓનું માનવું છે કે, દેશમાં ત્રણ અઠવાડિયા સુધી એકપણ નવો કેસ ના નોંધાય તો જ સ્કૂલો ફરી શરૂ કરવી જોઈએ. જ્યારે ૧૩ ટકા વાલીઓનું માનવું છે કે, કોરોનાની રસી ના શોધાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અનલોક-૧.૦ની ગાઈડલાઈન્સ મુજબ, રાજ્ય સરકાર સાથે મંત્રણા કર્યા પછી અનલોકના બીજા તબક્કામાં શાળાઓ ફરી શરૂ કરી શકાય છે. કેટલાક રાજ્યની સરકારો જુલાઈથી સ્કૂલો ફરીથી ખોલવાની વિચારણા કરી રહી છે. કેટલાક વાલીઓએ ધ્યાન દોર્યું કે, ઘણી શાળાઓએ લોકડાઉન દરમિયાન ડિજિટલ માધ્યમોના ઉપયોગથી અસરકારક રીતે શિક્ષણ પૂરું પાડ્યું હતું. ત્યારે સ્કૂલો ફરી ખોલવાના બદલે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ ઈન્ટરનેટ, ટીવી કે રેડિયો ચેનલોની મદદથી ભણી શકે. હરિયાણા સરકારે જુલાઈ મહિનાથી ફરી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, સૌપ્રથમ ઉચ્ચ ધોરણના બાળકોને સ્કૂલે બોલાવાશે. સલામતી અને તકેદારીના પૂરતા પગલાં સાથે સ્કૂલો ખોલવા બાબતે ૭૬ ટકા વાલીઓેએ કહ્યું કે, સ્કૂલના પરિસરમાં બાળકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ બની રહેશે. કેટલાક વાલીઓએ વિદેશમાં જ્યાં સ્કૂલો ખોલવામાં આવી છે તેના ઉદાહરણો ટાંક્યા હતાં. તેમણે જણાવ્યું, ફ્રાન્સમાં સ્કૂલ ખૂલ્યાનાં એક અઠવાડિયામાં જ ૭૦ નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આ સિવાય ડેનમાર્ક અને ક્રોએશિયામાં પણ સ્કૂલો ખૂલ્યા પછી પડકારજનક સ્થિતનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલમાં સ્કૂલો ખોલ્યાના થોડા જ દિવસોમાં ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. સ્કૂલ શરૂ થયાના બે અઠવાડિયાની અંદર જ ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોમ ક્વોરન્ટાઈન થયા છે. સર્વેના તારણ પ્રમાણે, ઓનલાઈન શિક્ષણ આપવા માટેના સાધનો ઝડપથી વિકસાવવા જરૂરી છે. આ રિપોર્ટ MHA, MHRD, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે.