સુરતના વરાછાના યોગીચોક ખાતેના સાવલિયા સર્કલ આસપાસ સી.આર. પાટીલને આવકારવા લગાવાયેલા ભાજપના ટોચના નેતાઓના બેનર ઉપર કાળી શાહી લગાવી દેવાતા ભાજપના નેતાઓની હાલત કફોડી બની છે. જો કે સુરતના વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં લાગેલા બેનર સાથે રાત્રીના કરફ્યુના સમયે કેટલાક અસંતુષ્ટો દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના કૃત્યની જાણ શહેર ભાજપના નેતાઓને થઈ હતી. જેથી તેમણે તાકીદના ધોરણે વરાછાના યોગીચોક નજીકના સાવલિયા સર્કલ અને કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પરથી અંદાજિત ર૦ જેટલા બેનરોને ઉતારી પાડાવ્યા હતા. આ બેનરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ વિજય રૂપાણી તથા ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના મોઢાને કાળી શાહીથી રંગી નાખવામાં આવ્યા છે. પરંતુ આ બેનરમાંના રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ચહેરા સાથે કોઈ ચેષ્ટા કરાવામાં આવી ન હતી. આ ઘટના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મરાઠી જ્ઞાતિના અધ્યક્ષથી રાજ્યના પટેલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.