મંગળવાર મધરાતથી બ્રિટનની તમામ ફ્લાઈટો પર ૩૧મી સુધીના રોકની જાહેરાતનો અમલ શરૂ : ગત રવિવારે યુકેથી બ્રિટન આવેલા બે મુસાફરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : મુંબઈમાં પણ બે યાત્રીઓને ક્વોરન્ટાઈન કરાયા
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
સરકારના ઉચ્ચ અધિકારીઓેએ જણાવ્યું હતું કે, મંગળવારે એર ઈન્ડિયાની લંડનથી દિલ્હી પહોંચેલી ફ્લાઈટમાં છ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. સોમવારે રાત્રે આ વિમાનનું દિલ્હીમાં ઉતરાણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ યાત્રીઓ દિલ્હીથી ચેન્નઈની કનેકટિંગ ફ્લાઈટમાં ચઢનાર હતા. એરપોર્ટ પર તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. સરકારે ગઈકાલે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઈટો પર રોક લગાવતાં જાહેરાત કરી હતી કે, યુકેથી આવનારા તમામ યાત્રીઓનું ફરજિયાત કોરોના પરીક્ષણ કરાશે. હાલ બ્રિટન સહિત વિશ્વમાં કોવિડ-૧૯ના કેસો વધી રહ્યાં છે ત્યારે ભારતમાં સદ્દભાગ્યે આ રોગના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારત સરકાર એલર્ટ છે. આ સ્ટ્રેનના કારણે કોરોના ચેપ ફેલાવવાની ગતિ ૭૦ ટકા જેટલી વધી જાય છે. બ્રિટનથી આવેલા છ યાત્રીઓ કોરોના પોઝિટિવ જણાતાં ફફડાટ વ્યાપી ગયો હતો. કોલકાતામાં પણ ગત રવિવારે બ્રિટનથી આવેલા બે યાત્રીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
અધિકારીઓેએ જણાવ્યું હતું કે, લંડનથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં ચાલક દળના સભ્યો સહિત ૨૬૬ યાત્રીઓ સવાર હતા. જેમાંથી છ યાત્રીઓ આ ચેપ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ મુસાફરોના નમૂનાઓને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે સંક્રમિતોને કેર સેન્ટરમાંથી અલગથી રાખવામાં આવ્યા છે. આ અગાઉ લંડનથી મુંબઈ પહોંચેલી ફ્લાઈટના બે મુસાફરોને પણ સીધા હોટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે કેટલાક યાત્રીઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે, તેમને આ અંગે અગાઉથી કોઈ જાણકારી ન હતી. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે, આ નવા પ્રકારના ચેપને અટકાવી શકાય છે. સંગઠનના આરોગ્ય ઈમરજન્સીના પ્રમુખ માઈક રાયને જણાવ્યું હતું કે,સ્થિતિ કાબૂ બહાર નથી. પણ તેને અવગણી પણ ન શકાય. તેમણે તમામ દેશોને અનુરોધ કર્યો હતો કે, તેઓ કોરોના નિયંત્રણ માટેના જે સફળ પગલાં છે તે ભરવાનું જારી રાખે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે, સ્ટ્રેનના કારણે જે લોકોને સંક્રમણ થઈ જાય છે તેઓ સરેરાશ ૧.૫ ટકા લોકોને સંક્રમિત કરે છે. જ્યારે બ્રિટનમાં પહેલાંથી જ હાજર રિપ્રોડક્શન દર ૧.૧ ટકા છે. વાયરસ અને વિજ્ઞાનીઓ લગભગ એ વાત અંગે સંમત છે કે, કોરોનાની રસી આ સ્ટ્રેન સામે પણ કારગત નિવડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મંગળવારે મધરાત બાદથી બ્રિટનની કોઈ ફ્લાઈટ નહીં આવે. આ દરમ્યાન જે પણ વિમાન આવી રહ્યાં છે તેના યાત્રીઓને આરટી-પીસીઆર તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે. જે યાત્રીઓનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને ક્વોરન્ટાઈન સેન્ટર મોકલવામાં આવશે. જે યાત્રીઓનો રિપોર્ટ નેગેટિવ આવશે તેમને પણ ફરજિયાતપણે સાત દિવસ માટે ક્વોન્ટાઈન રહેવુંં પડશે. કોરોનાના નવા સ્ટ્રેન અંગે બ્રિટને જણાવ્યું હતું કે, કેસોમાં રોકેટગતિએ વધારો થયો છે. બ્રિટનાના આરોગ્ય સચિવ મટ્ટ હેનકોકે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન નિયંત્રણ બહાર છે. તેમણે સૂચન કર્યું હતું કે, જ્યાં સુધી રસી ન શોધાઈ જાય ત્યાં સુધી સમગ્ર બ્રિટનમાં કડકપણે કોરોના નિયંત્રણોનો અમલ કરવામાં આવે. લંડનમાં લોકડાઉન લાગુ કરાયા બાદ ૧૬ મિલિયન લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે. દરમ્યાન ઈટલીમાં નવા સ્ટ્રેનનો કેસ નોંધાયો હતો. આ દર્દી બ્રિટનથી આવ્યો હતો. હાલ તેને કવોન્ટાઈન કરવામાં આવ્યો છે. પાડોશી દેશોએ પણ બ્રિટન માટે પોતાના પ્રવેશ દ્વાર બંધ કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને રવિવારે ઘોષણા કરી હતી કે, બ્રિટનમાં લંડન સહિત ઘણાં વિસ્તારોમાં કોરોનાવાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો છે. જે પહેલા કરતાં વધુ ખતરનાક છે. બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજીથી ચેપ ફેલાઈ રહ્યો છે. જેના પગલે રવિવારથી જ યુકેના મોટભાગના વિસ્તારમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. અથવા નાતાલ બાદ લોકડાઉન લાગુ કરાશે. વાયરસનો નવો પ્રકાર મળવાને કારણે ઘણાં યુરોપિયન દેશો સહિત સાઉદી અરબ અને કુવૈત જેવા દેશોએ પણ બ્રિટન પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિએ દેશના સર્જન જનરલ તરીકે નિમણૂક કરેલા ભારતીય-અમેરિકન ડોકટર વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે, એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેમાં એવું સાબિત થતું હોય કે, બ્રિટનમાં નવા મળેલા કોરોનાના સ્ટ્રેન પ્રાણઘાતક છે. ૪૩ વર્ષીય ડોકટર મૂર્તિએ જણાવ્યું હતુંકે, એવું માની લેવાનુું કોઈ કારણ નથી કે, કોરોનાની રસી આ સ્ટ્રેન સામે અસરકારક નહીં હોય. જોકે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, આપણે ભૂતકાળમાં જે વાયરસ જોયો તેના કરતાં કોરોનાના આ નવા સ્ટ્રેન ઝડપથી પ્રસરનાર અને ચેપી છે. જો કે આ સ્ટ્રેન પ્રાણઘાતક હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. જો તમે ઘરે છો અને આ સ્ટ્રેન અંગે સમાચાર સાંભળી રહ્યો છો તો તમારે કોરોનાની જે સાવચેતી છે તેમાં પરિવર્તન કરવાની કોઈ આવશ્યકતા નથી. ઘરે રહીને આ વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. આ ચેપ સામે પણ માસ્ક પહેરો, સામાજીક અંતર રાખો, હાથ સાફ કરો, વગેરે જેવી જ કાળજીઓ રાખવાની છે. કોરોના રસી અંગે પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, એક વખત આ રોગ સામેની રસી શોધાઈ ગયા બાદ તેને પ્રમાણિક પ્રમાણે ઝડપથી લોક ઉપયોગ માટે બજારમાં મૂકવામાં આવશે. જો કે આ અંગે હજુ કેટલો સમય લાગશે તે અંગે ચોક્કસપણે કંઈ જ કહી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં ફેલાયેલા કોરોનાના આ નવા સ્ટ્રેનને પગલે વિશ્વના ઘણાં દેશોએ યુકે પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે.
Recent Comments