૧૯૪૦માં કાશ્મીરના તત્કાલીન સૌથી લોકપ્રિય નેતા શેખ મોહંમદ અબ્દુલ્લાએ એક ક્રાંતિકારી ચૂંટણી ઢંઢેરામાં આધુનિક કાશ્મીરનું પોતાનું વિઝન રજૂ કર્યુ હતું. તેમાં રાષ્ટ્રીયતા, ધર્મ કે જાતિ કે જન્મના મતભેદ વગર સમાન અધિકારો, વાણી સ્વાતંત્ર અને અખબારી સ્વાતંત્રની હિમાયત કરવામાં આવી હતી.
૧૯૪૭માં શેખ અબ્દુલ્લાએ ભારતીય સંઘમાં સ્વાયત્ત કાશ્મીરના પ્રથમ વડાપ્રધાન તરીકે સત્તાની બાગડોર સંભાળી ત્યારે તેમણે ગ્રામીણ કાશ્મીરની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પ્લાનનો તત્કાળ અમલ કર્યો હતો. આ ડોક્યુમેન્ટ નયા કાશ્મીર એટલે કે નવા કાશ્મીર તરીકે ઓળખાતું હતું. ત્યાર બાદ ૭૨ વર્ષ પછી જ્યારે ભારતે કાશ્મીરની સ્વાયત્તતાની બાંહેધરી આપતા અનુચ્છેદ ૩૭૦ને રદ કર્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે આ પગલાથી કાશ્મીરમાં વિકાસ અને સમૃદ્ધિ આવશે.
તેમણે કાશ્મીરના વિકાસકીય એજન્ડાને નયા કાશ્મીર એવું નામ આપ્યું હતું. આ બે નયા કાશ્મીર વચ્ચે લાંબો ઇતિહાસ છે કે જેની શરૂઆત ભારત અને પાકિસ્તાનના બ્રિટીશ ભારતના ભાગલાથી થઇ હતી અને ત્યારબાદ કાશ્મીર મામલે નવા રચાયેલા બંને રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. આ સંઘર્ષના પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયાં છે અને અસંખ્ય નાના મોટા છમકલાં થતાં રહ્યાં છે.
આ સંઘર્ષને કારણે છેલ્લા ત્રણ દાયકામાં ૭૦૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ બધુ નવી દિલ્હીએ ગઇ સાલ ૫, ઓગસ્ટના રોજ એકપક્ષીય રીતે અનુચ્છેદ ૩૭૦ રદ કર્યો ત્યાં સુધી જોવા મળ્યું હતું અને એક જ ઝાટકે કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રૂપાંતર કરાયું હતું. પરંતુ ૫, ઓગસ્ટ પૂર્વે કાશ્મીરનું જે અસ્તિત્વ હતું અને ત્યાર બાદ કાશ્મીરનું જે અસ્તિત્વ ઊભું થયું છે તે બંને વચ્ચે વિશિષ્ટ વાસ્તવિકતા છે.
આ તફાવત એ માત્ર જૂના સ્વાયત્ત રાજ્ય અને સંઘીય રીતે સુગ્રથિત કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે છે તે નથી. આ તફાવત સંપૂર્ણપણે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક બદલાવ પણ છે જેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીરમાં વર્તમાન સ્થિતિમાં કંઇક આવું દેખાઇ રહ્યું છે. સરકાર અને તેને સમર્થન આપતાં જૂથોને બાદ કરતાં કોઇ પણ અન્ય સામાજિક અને રાજકીય સંસ્થાનું અસ્તિત્વ ટક્યું નથી. અત્યારે ચિત્રમાં કોઇ સ્થાપિત નેતા સક્રિય નથી. કોઇ કાર્યાન્વિત રાષ્ટ્રીય કે સામાજિક સંગઠન પણ સક્રિય નથી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સદંતર અભાવને કારણે પરંપરાગત મુખ્ય ધારા અને અલગતાવાદી સમૂહોનું જનજીવનમાં ખાલીપો છે. વિરોધનું અપરાધીકરણ અને વિરોધી દેખાવકારો સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારાનો અમલ કરીને નિષ્ઠુર દમનને કારણે રાજકીય અને સિવિલ સોસાયટીના અવકાશમાં તેમજ શેરીઓમાં એક પ્રકારનો સન્નાટો પ્રવર્તે છે. શેખ અબ્દુલ્લાએ જે નયા કાશ્મીરનું સર્જન કર્યુ હતું તે અસ્તિત્વમાં નથી, આને કારણે ગહન સામાજિક અને રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે તે પુરવાની જરુર છે.
નવી દિલ્હી જૂની વ્યવસ્થાને પુનઃ સજીવન નહીં કરવા કૃત નિશ્ચયી છે. તે નવા સામાજિક-રાજકીય માળખાની કૃત્રિમ પુનર્રચના કરવા માગે છે. જેમ કે ઇન્ટરનેટ અને સંદેશા વ્યવહારના અન્ય સાધોનોને લાંબા સમય સુધી સ્થગિત કરવાનો હેતુ જ્યોર્જ ઓરવેલના શબ્દોનો ઉપયોગ કરીએ તો કાશ્મીરના લોકોને બહારની દુનિયાથી વિખુટા પાડવાનો અને તેમને એક કૃત્રિમ જગતમાં બંધ કરી દેવાનો હતો કે જેમાં તુલનાનું કોઇ ધોરણ નથી. બીજી બાજુ મોદી સરકારે વૈકલ્પિક હકીકતોને વળગી રહેવાનું બંધ કર્યુ નથી કે જેનો તેઓ જાહેર મતને યેનકેન પ્રકારે ઊભો કરીને તેનો પ્રચાર કરે છે.
૮, માર્ચના રોજ રાજકારણી બનેલા વેપારી એવા અલ્તાફ બુખારી દ્વારા નવી રાજકીય પાર્ટી અપની પાર્ટીની રચના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેના મોટા ભાગના સભ્યો તટસ્થ પ્રાદેશિક પક્ષોમાંથી આવેલા છે. બુખારીએ સ્પષ્ટ કર્યુ હતું કે તેમની કામગીરી કાશ્મીરની સ્વાયત્તતાને પુનઃ સ્થાપિત કરવાની નથી પરંતુ પ્રદેશના વિકાસ માટે કામ કરવાનો હેતુ છે. કાશ્મીરમાં બુખારીની રાજનીતિને છૂટોદૌર મળે એ માટે નવી દિલ્હીએ મુખ્ય પક્ષો તરફથી કોઇ પડકાર ઊભો ન થાય તે માટે તેના ટોચના નેતાઓને જેલમાં કે નજરકેદ હેઠળ રાખ્યાં છે અને જે નેતાઓ મુક્ત કરવામાં આવ્યાં છે તેમણે મૌન વ્રત ધારણ કર્યુ છે એ રીતે સિવિલ સોસાયટી સંગઠનોને ચૂપ કરી દેવામાં આવ્યા છે અને સરકારની રાહે ચાલે એવા નવા ગ્રુપ્સને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આમાંના કેટલાક ગ્રુપ્સની મુલાકાત વિદેશી દૂતોની ત્રણ બેચ સાથે યોજવામાં આવી હતી કે જેમને નવી દિલ્હી દ્વારા કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ છે એવું બતાવવા માટે લાવવામાં આવ્યાં હતાં.
બીજી બાજુ લોકડાઉન અને ઇન્ટરનેટ શટડાઉનને કારણે પાયમાલ થઇ ગયેલ કાશ્મીરના અર્થતંત્ર માટે નવી દિલ્હી હવે બહારના લોકોને ૬૦૦૦ એકરની જમીનની ઓફર સાથે રોકાણ કરવા માટે આકર્ષી રહી છે. આમ કાશ્મીરમાં છેલ્લા લાંબા સમયથી જે સન્નાટો પ્રવર્તે છે તેમાંથી એવું કાશ્મીર ઊભરી રહ્યું છે કે જેના દ્વારા એવી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે પ્રવર્તમાન સામાજિક અને રાજકીય એન્જિનિયરીંગ કામ કરી રહ્યું છે. પરંતુ તેને ટકાવવા માટે ભારે દબાણ અને દમનનો આશ્રય લેવામાં આવી રહ્યો છે. આમ નવી દિલ્હી એક વૈકલ્પિક વાસ્તવિકતાની જાળ ઊભી કરી રહ્યું છે કે જેના દ્વારા કેન્દ્રની ઇમેજ પ્રમાણે એક નયા કાશ્મીરનો ઉદય થઇ રહ્યો છે.
– રિયાઝ વાનિ (સૌ. : ધ વાયર.ઇન)