(એજન્સી) તા.૯
રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ (આરટીઆઈ) હેઠળ પૂછાયેલા એક પ્રશ્નનો કેન્દ્રિય કોલસા મંત્રાલયે જે જવાબ આપ્યો હતો તે ખરેખર એક પદાર્થપાઠ ભણાવી જાય એવો છે. જ્યારે પણ કોઈ મંત્રી કે પ્રધાન કોઈ જાહેરાત કરે ત્યારે તેને ગંભીરતાથી લેવી નહીં, તેને ફક્ત બડાશ ગણી લેવી કે બણંગા ફૂંક્યા હતા, એમ ગણી લેવું.
ઊર્જાના ક્ષેત્રે સંશોધન કરતાં સંદિપ પાઈને જે જવાબ મોકલવામાં આવ્યો છે તે ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે એવો છે. કેન્દ્ર સરકાર તરફથી જે જવાબ મળ્યો તે એવી માન્યતાને વધુ બળવત્તર બનાવે છે કે, વડાપ્રધાન અને તેમના કેબિનેટ મંત્રીઓ આંકડા અને તથ્યોની બાબતમાં જૂઠું બોલે છે.
ગત જૂન મહિનામાં જ્યારે કોલસાના ૪૧ બ્લોકની જ્યારે હરાજી કરવામાં આવી ત્યારે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહને કોલસા મંત્રી જોશીએ એવી જાહેરાત કરી હતી કે આ હરાજીના કારણે લાખો નવી નોકરીનું સર્જન થશે અને કોલસાના ભંડાર ધરાવતા ઝારખંડ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં જંગી વિદેશી રોકાણો આવશે અને તેઓની આવકમાં ધરખમ વધારો થશે.
શાહ અને જોશીએ તો વળી એકદમ ખાતરીપૂર્વક કહ્યું હતું કે, આ હરાજીના કારણે ૨.૮૦ લાખ નવી નોકરીઓનું સર્જન થશે, રૂા.૩૩,૦૦૦ કરોડના રોકાણો આવશે અને રાજ્યોને વધારાની રૂા.૨૦,૦૦૦ કરોડની આવક થશે. આરટીઆઈ એક્ટ હેઠળ ગત ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ કરેલી પોતાની અરજીમાં પત્રકાર, લેખક અને ઊર્જા ક્ષેત્રના સંશોધન પાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે, કેન્દ્રિય મંત્રીઓએ અને વડાપ્રધાન કયા આદારે એવો દાવો કર્યો હતો કે, લાખો નવી નોકરીઓનું સર્જન થશે, રોકાણો આવશે અને રાજ્યોની આવકમાં વધારો થશે ?
પાઈએ પોતાની અરજીમાં કોલસા મંત્રાલયને જે આધારે કેન્દ્રિય મંત્રીઓએ નવી નોકરીઓના, આવકના તથા રોકાણોના જે ચોક્કસ આંકડા જાહેર કર્યા હતા તે રિપોર્ટ, સંશોધન, સર્વે, શ્વેતપત્ર, કન્સલ્ટન્સીનો રિપોર્ટ, કોઈ ચોક્કસ ગણતરી અથવા તો કોઈ ચોક્કસ મેથડની નકલ પૂરી પાડવા વિનંતી કરી હતી.
કોલસા મંત્રાલયના ઉચ્ચ અધિકારી જિતેન્દ્ર કુમારે પાઈને ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ એક ઈ-મેઈલ કરીને સીધોસાદો જવાબ આપી દીધો હતો કે, “જેના આધારે નવી નોકરીઓનું સર્જન થશેને રાજ્યોની આવકમાં વધારો થશે એવી મૂકાયેલી ગણતરી સંબંધી આ મંત્રાલય પાસે કોઈ રિપોર્ટ, સંશોધન, સર્વે, શ્વેતપત્ર કે કન્સલ્ટન્સી રિપોટ ઉપલબ્ધ નથી.”