અમદાવાદ, તા.ર
ખેડૂતો માટે શહેરી વિસ્તારમાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની નવી શરતની ખેતીની જમીનના બિનખેતીના પ્રસંગે ખેતીથી ખેતીનું પ્રિમીયમ સર્વે નંબરના ક્ષેત્રફળના બદલે હવેથી અંતિમ ખંડ (ફાયનલ પ્લોટ)ના ક્ષેત્રફળ મુજબ આકારવામાં આવશે એમમહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું આ અંગે વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે, હાલમાં, શહેરી વિસ્તારમાં જ્યારે અરજદાર તેની ખેતીની જમીન બીન ખેતી કરવા અંગે દરખાસ્ત કરે ત્યારે ખેતીથી ખેતી હેતુ માટે સર્વે નંબરમાં દર્શાવેલ મુળ ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમીયમ લેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં સામાન્યતઃ જાહેર સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, પાણી પુરવઠા, લાઈટ માટે ઉપયોગમાં લેવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત કરવામાં આવે છે. આથી, શહેરી વિસ્તારમાં અરજદાર પાસે ૬૦ ટકા જેટલી જ જમીન ભોગવટા માટે રહેતી હોય છે. આથી, ખેતીથી બીનખેતીનું જે પ્રિમિયમ વસૂલ લેવામાં આવે છે તેમાં જાહેર માળખાકીય સુવિધાઓ માટે ૪૦ ટકા જમીનની કપાત બાદ કરીને વધતી ૬૦ ટકા જેટલી જમીન ઉપર બીનખેતીનું પ્રિમિયમ વસૂલવામાં આવે છે. હવેથી ખરેખર ભોગવટાની જમીન એટલે કે જાહેર સુવિધાઓ માટે કપાત કરવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત બાદની ૬૦ ટકા ક્ષેત્રફળ મુજબ એટલે કે ‘એફ’ ફોર્મમાં દર્શાવેલ અંતિમ ખંડના ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.