(એજન્સી)                             તા.૧૯

જો આપણે વિદ્યાર્થીઓને ગઇ કાલે જે શીખવ્યું હતું તે આજે પણ શીખવીશું તો આપણે તેમની આવતી કાલ છિનવી લઇશું. જ્હોન ડ્‌વેના આ શબ્દો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (નેપ)ના સંદર્ભમાં આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

એક વાત સ્પષ્ટ છે કે કુશળ કર્મચારીઓ વગર કોઇ પણ સમુદાય પ્રગતિ કરી શકે નહીં અને કોઇ પણ ઉદ્યોગ વિકાસ પામે નહીં. આજે ભારતમાં શિક્ષણ ક્ષેત્ર સામે જો કોઇ સૌૈથી મોટો પડકાર હોય તો તે શિક્ષકોની તાલીમને લગતો છે. શિક્ષકોને એવી શિક્ષણ પદ્ધતિ અંગે જ્ઞાન અને સમજ હોવા જોઇએ કે જેમાં અત્યંત સર્જનાત્મક અભ્યાસક્રમને શીખવી શકાય.

પાયાના સ્તરે શિક્ષણની ગુણવત્તાની બાબતમાં હજુ ઘણું બધું કરવાનું અપેક્ષિત છે. મોટા ભાગના સેવારત શિક્ષક કોઇ વ્યાવસાયિક લાયકાત ધરાવતાં નથી અને આ ઉપરાંત તેમને અસંખ્ય વહીવટી અને સામાજિક જવાબદારી સોંપવામાં આવે છે કે જેના કારણે તેમની પાસે શિક્ષણ આપવા માટે બહુ ઓછો સમય રહે છે અને પછી તાલીમ મેળવવાની વાત તો એક બાજુ રહી.

શિક્ષણ ક્ષેત્રમાં જે માળખુ છે તે કોઇ પણ બદલાવનો પ્રતિકાર કરતું હોય એવું પુરવાર કરે છે. જો આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવી હોય તો આપણે સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરવા માટે કાળજી દાખવવી પડશે. રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા અને બ્લોક સ્તરે પ્રત્યેક સહભાગીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની માલિકી લેવી પડશે. આચાર્યોને આગોતરી તાલીમ આપવી પડશે. ઘણા આચાર્યો એટલે સુધી કે શહેરી વિસ્તારોમાં પણ આ પ્રકારના બદલાવ માટે જરૂરી પ્રશિક્ષણ કે કૌશલ્ય ધરાવતાં નથી. સ્ટેન્ડ એલોન વર્કશોપથી કામ નહીં ચાલે સતત આંતર અને બાહ્ય શાળા તાલીમ આવશ્યક છે.

સીબીએસસી દેશનું સૌથી પ્રગતિશીલ બોર્ડ છે. તે આ નીતિની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે પાયલટ પ્રોગ્રામ શરૂ કરી શકે છે. બોર્ડ માસ્ટર ઇન્સ્ટ્રક્ટર્સને તાલીમ આપી શકે છે અને તેઓ આચાર્યો અને શિક્ષકોને પાછળથી તાલીમ આપી શકે. આમ નવી શિક્ષણ નીતિના સફળ અમલ માટે સૌથી મોટો પડકાર શિક્ષકોની તાલીમનો છે. સમગ્ર શિક્ષણ પ્રથાએ એક અનુકૂલન અભિગન અપનાવવાની જરુર છે કે જેથી આપણા બાળકો સફળ થઇને વિશ્વમાં કોઇ પણ જગ્યાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકે.