મોદીએ રાજ્યપાલોના સંમેલનને ડિજિટલ માધ્યમથી સંબોધિત કરતાં નવી નીતિના લાભ ગણાવ્યા પણ
લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ અને પછાત જાતિના વિદ્યાર્થીઓની ચિંતા અંગે કોઈ સ્પષ્ટતા ન કરી : અહેવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલોના ડિજિટલ સંમેલનમાં નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરી હતી. જો કે, મોદીએ ફરી એક વખત નવી નીતિમાં લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને શું લાભ થશે તે અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. તેમજ નવી નીતિમાં મદ્રેસાઓ અને અનામત અંગે શું પગલાં ભરાશે તે અંગે પણ મગનું નામ મરી પાડ્યું ન હતું. આ અગાઉ ગઈકાલે એક વેબિનારમાં દેશના મહાનુભાવાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નવી નીતિમાં લઘુમતી સંસ્થાઓની અવગણના કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું. સરકાર તરફથી ગત દિવસોમાં નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી, જેના પર હજુ પણ મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશના લક્ષ્યને શિક્ષણ નીતિ અને વ્યવસ્થા દ્વારા પૂરૂં કરી શકાય છે. પીએમને કહ્યું કે, શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ. નવી શિક્ષણ નીતિ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાતચીત કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી-શિક્ષક-અભિભાવક (વાલી) પણ સામેલ હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે કોઈ પણને આ નીતિ પોતાની લાગી રહી છે, જે સૂચન લોકો જોવા ઈચ્છતા હતા તે દેખાઈ રહ્યા છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં તેને લાગુ કરવા પર સંવાદ યોજાઈ રહ્યા છે, આ એટલા માટે જરૂરી છે કે, આ નીતિથી ૨૧મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન કહ્યું કે, આજે દુનિયામાં નોકરીઓને લઈને ચર્ચા થઈ રહી છે, એવામાં શિક્ષણ નીતિને જ્ઞાન અને સ્કિલ પર તૈયાર કરશે. આ નીતિ ન્યુ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનને પૂરૂં કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે, લાંબા સમયથી આ માગ સામે આવી રહી હતી કે, બાળકો બેગ અને બોર્ડની પરીક્ષાને લઈને દબાવમાં જોવા મળે છે, એવામાં હવે આ ભારને ઓછો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, હવે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ પ્રવાહ (સ્ટ્રીમ)ને ક્યારેય પણ લઈ શકે છે અને છોડી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં સારા કેમ્પસ યોજાશે, જેનાથી વિદેશમાં ભણવા જવાના પ્રયત્નો ઓછા થશે. આ સાથે જ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે, ઓનલાઈન ભણતરને પ્રોત્સાહન મળે. પીએમ મોદીએ કહ્યું કે, જેવી રીતે વિદેશ નીતિ કોઈ સરકારની નહીં પણ દેશની હોય છે, આ શિક્ષણ નીતિ પણ કોઈ સરકારની નહીં પરંતુ દેશની શિક્ષણ નીતિ છે. પીએમ મોદીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ ભણાવા કરતા શીખવા પર વધુ ફોકસ કરે છે અને પાઠ્યક્રમથી વધારે આગળ વધીને વધારે વિચારવા પર જોર આપે છે.