નવી દિલ્હી,તા.૧
કોરોના સંકટની વચ્ચે ભારત સહિત સમગ્ર દુનિયામાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની વચ્ચે લોકો પૂરા ઉમંગ અને ઉત્સાહની સાથે નવા વર્ષને ઉજવી રહ્યા છે. બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્‌વીટર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, નવું વર્ષ, એક નવી શરૂઆત કરવાનો અવસર હોય છે અને વ્યક્તિગત તથા સામૂહિક વિકાસના આપણા સંકલ્પને બળ આપે છે. કોવિડ-૧૯થી ઉત્પન્ન પડકારોનો આ સમય, આપણા સૌ માટે એકજૂથ થઈને અને આગળ વધવાનો સમય છે. તેઓએ વધુમાં લખ્યું કે, આપણે સૌ મળી પ્રેમ અને કરૂણાની ભાવનાથી એક એવો સમાવેશી સમાજ બનાવવાની દિશામાં કામ કરીએ જ્યાં શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને દેશવાસીઓને નવા વર્ષની શુભકાનાઓ પાઠવી. વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવતા લખ્યું કે, આપને ૨૦૨૧ની હાર્દિક શુભકામનાઓ. આ વર્ષ સારું સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવશે. આશા અને કલ્યાણની ભાવના પ્રબળ થશે. બીજી તરફ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવા વર્ષની શુભેચ્છાઓ આપતા લખ્યું કે, આ નવા વર્ષની શરૂઆતમાં આપણે એ લોકોને યાદ કરીએ જેઓએ આપણે ગુમાવી દીધા અને તે તમામનો આભાર વ્યક્ત કરીએ જે આપણા માટે રક્ષા અને બલિદાન આપે છે. તેઓએ વધુમાં લખ્યું કે મારું દિલ ખેડૂતો અને શ્રમિકોની સાથે અન્યાય અને સન્માન માટે લડવા માટે છે. સૌને નવા વર્ષની શુભકામનાઓ.