(એજન્સી) તા.૧પ
વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞાનિકોને આખરે જેનો ભય હતો તે બાબત હવે વાસ્તવિક બનતી જાય છે. તેમના મતાનુસાર કોવિડ-૧૯ હવે તેનું સ્વરૂપ બદલી રહ્યો છે અને છ ગણો વધુ ચેપી અને ઘાતક બનતો જાય છે. સેલ નામના સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક નવા સંશોધનમાં એમ કહેવામાં આવ્યું હતું કે લેબોરેટરીના પરીક્ષણ દરમ્યાન કોરોના વાઇરસની ચામડીમાંથી લેવાયેલું પ્રોટિન હવે તેનું નાના પ્રમાણમાં સ્વરૂપ બદલી રહ્યું છે તે ધ્યાન ઉપર આવ્યું હતું. છેલ્લા છ મહિના દરમ્યાન આકાર લઇ રહેલું પ્રોટિનનું આ પરિવર્તને એક માણસમાંથી બીજા માણસમાં કૂદકો લગાવવાની તેની ક્ષમતા વધારી દીધી છે, ને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ વાઇરસના શરીરની રચનામાં આવી રહેલા ફેરફારના કારણે તેના ચિહ્નોમાં કોઇ વધારો-ઘટાડો થયો નથી. અમેરિકામાં ફાટી નીકળેલી કોરોના મહામારીના સમય દરમ્યાન જનતામાં અત્યંત લોકપ્રિય ચહેરો બની ગયેલા ડો. એન્થની ફૌસીએ કહ્યું હતું કે અલબત્ત આ સંશોધનને હજુ સુધી કોઇ સમર્થન મળ્યું નથી તેમ છતાં તે અત્યંત મહત્વનું છે. મારું માનવું છે કે આ સંશોધનની જે માહિતી જાહેર કરાઇ છે તે દર્શાવે છે કે કોરોના વાઇરસના શરીરની રચનામાં ફક્ત એકવાર પણ ફેરફાર થઇ જાય તો બીજી વાર તે પોતાના જેવી જ અન્ય પ્રતિકૃતિ ઘણી સારી રીતે પેદા કરી શકે છે, અને તેમાં વાઇરસના કણોનું પ્રમાણ પણ ઘણું વધુ હોઇ શકે છે. યાદ રહે કે જે વાઇરસમાં વધુ કણ હોય તે દર્દીને વધુ ઘાતક અસર કરી શકે છે. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની લોસ એલામોસ નેશનલ લેબોરેટરી, નોર્થ કેરોલિના રાજ્યની ડ્યુક યુનિવર્સિટી અને બ્રિટનની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના સંશોધકોએ સયુંક્ત રીતે આ સંશોધન હાથ ધર્યું હતું. જ્યારે ડો. ફૌસીને આ સંશોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંશોધનમાં દર્શાવવામાં આવેલો નવો વાઇરસ દર્દી માટે કેટલો ઘાતક અને ખતરનાક પુરવાર થઇ શકે છે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી. સંશોધકોની આ ટુકડીએ કોવિડ-૧૯ની સારવાર લઇ ચૂકેલા ૯૯૯ દર્દીઓનું સર્વેક્ષણ કર્યું હતું, તે સાથે તેઓએ આ વાઇરસ માનવીના રક્તકણો દ્વારા રચાતી કુદરતી સંરક્ષણની દીવાલને તોડી નાંખવામાં કેટલો અસરકારક છે તેની પણ ચકાસણી કરી હતી.