(એજન્સી) પટના, તા.ર૭
મુઝફ્ફરપુર ખાતે ભાજપના નેતાએ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરી ૯ બાળકોનાં મોત નિપજાવ્યાની ઘટનાએ બિહાર વિધાનસભામાં હંગામો કર્યો હતો. રાજદના નેતાઓએ અકસ્માત કરી ભાગી છૂટેલા ભાજપના નેતા મનોજ બૈયાની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી છે. વિપક્ષી રાજદે સત્તાધારી પક્ષના નાયબ મુખ્યમંત્રી સામે આરોપીને રક્ષણ આપવાનો આરોપ મૂકયો છે. સરકારે આરોપોનો ઈન્કાર કરતાં નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ગૃહમાં જવાબ આપ્યો હતો કે પોલીસને આરોપી સામે કોઈ પણ જાતની શેહસરમ રાખ્યા વગર કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ભાજપ બિહાર સરકારમાં એક ભાગીદાર છે તેણે આરોપી મનોજ બૈયાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અકસ્માતની ઘટના અંગે આક્રમક ટ્‌વીટ કરતાં સરકાર જાગી છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં લખ્યું છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બૈયા દ્વારા દારૂના નશામાં મોટર ડ્રાઈવિંગ કરાઈ જેના પરિણામે અકસ્માત સર્જાયો. દારૂબંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણી હતી. મુઝફ્ફરપુરમાં ભાજપના નેતાએ દારૂના નશામાં ગાડી ચલાવી કેમેરામાં બૈયા અકસ્માત સર્જી ભાગી છૂટયા હતા તે જોવા મળે છે. પોલીસ આરોપીને શોધી રહી છે.