(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ સુરત મહાનગરપાલિકાની એક મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ ૫ કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહીં પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાલનપુર જકાતનાકાની ગણેશકૃપા સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય નયનાબેન રમેશભાઈ પરમાર પાલિકા કચેરીમાં સફાઇ કર્મચારી તરીકે નોકરી કરે છે. સંયુક્ત પરિવારમાં રહેતી ધોરણ ૭ પાસ આ મહિલા સફાઈ કર્મચારી કોરોનાને લઈ ખૂબ જ જાગૃત હોવાનું અને લોકડાઉનનું પાલન કરી આ બીમારીથી બચી શકાય છે એવો સંદેશો આપી રહી છે. તેણીને એક ૫ વર્ષની દીકરી છે. પતિ સ્કૂલવાન ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. ૬ સભ્યોનો પરિવાર છે. કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં હોવા છતાં બિન્દાસ્ત કામ કરી રહ્યા છે કેમ કે પીએમ મોદી કહે છે કે, એક કદમ સ્વચ્છ ભારત કી ઓર. જેને લઈ ખૂબ જ પ્રેરણા મળી છે. તો પછી સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી બીમારીથી લોકોને બચાવવા રોજ ૫ કલાક તમામ રોડ સાફ કરવા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ અંગે નયનાબેને જણાવ્યું હતું કે હાલ મને ૯ માસનો ગર્ભ છે. છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ઝોન ઓફિસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. સાહેબ આવા સમયમાં મારી જાગૃતતા જેટલી મારા ગર્ભ માટે હોવી જોઈએ એટલી જ હાલ આ મહામારી સામે છે એટલે ઘરે રહેવા કરતા કામ પર આવું છું. હું તો ધોરણ ૭ પાસ છું પણ મારા શહેરીજનો તો ભણેલા છે. મોદીજી આ ભણેલા ગણેલા લોકોને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે લોકડાઉનનું પાલન કરો અને કોરોનાને ભગાડો પણ કેટલાક લોકો આ અપીલનો ભંગ કરી રહ્યા છે. આખા શહેરને જ નહીં પણ દેશને કોરોના જેવી જીવલેણ બીમારીમાં ધકેલી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. લોકોને હું આજીજી કરૂંં છું હું તો મજબુર છું તમારી સુરક્ષામાં કામ કરવા પણ તમે તો મજબૂત છોને તો પછી લોકડાઉનનું પાલન કરો એજ તમારી અને તમારા શહેરની સુરક્ષા છે.