(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.૨૬

સરથાણાના વ્રજભૂમિ ટાઉનશીપના ચંદ્ર સરોવર બિલ્ડિંગમાં રહેતા વ્યસનીને લેવા માટે ગયેલા સરદાર પટેલ વ્યસન મુક્તિ સંસ્થાના ચાર જેટલા કર્મચારીઓ ઉપર ચપ્પુથી હુમલો કરી તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણાના વ્રજચોક ખાતેના વ્રજભૂમિ ટાઉનશીપની ચંદ્ર સરોવર બિલ્ડિંગના ફ્લેટ નં.સી-૦૧માં રહેતા કિરણ રામજીભાઇ સુતરીયા પોતે નશાનો બંધાણી હતો. જેની નશાની લટ છોડાવવા માટે તેની માતા મધુબેનએ કામરેજ તાલુકાના આસ્તાગામ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્ર નો સંપર્ક સાંધ્યો હતો. આ સંસ્થાના માણસો કિરણભાઇના ઘરે તેમને લેવા માટે ગયા હતા. જેની જાણ થતાં જ કિરણભાઇએ ચપ્પુ લઇ રોહનગરી અશોકગિરિ ગોસ્વામી, કિરણ ઇશ્વરભાઇ મિસ્ત્રી, અંકિત ગુજરાતીનાઓ ઉપર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ચારેય જણા શરીરે ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર માટે ઉધના દરવાજાની એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. બનવા અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.