(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧
થર્ટી ફસ્ટની રાત્રે નશો કરેલી હાલતમાં ઝુમતા અને હેપ્પી ન્યુ ઇયર ચીયર્સની બુમો પાડતા ૫૦ થી વધુ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ગુડબાય ૨૦૧૯ અને વેલ્કમ ૨૦૨૦ ના વધામણા અંગેની શહેરના અનેક સ્થળોએ યુવા હૈયાઓ તથા શોખીન મહિલાઓએ તડામાર તૈયારીઓ કરી હતી. ફતેગંજ નરહરિ સર્કલથી બ્લ્યુ ડાયમંડ સર્કલ સુધીનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશને પગલે ઠેર ઠેર વાહન ચેકીંગ અને પીધેલા શખ્સોને ઝડપી પાડવા બ્રેથ એનલાઇઝરથી સજ્જ પોલીસની ૪૦ ટીમોની ફોજ ઉતારવામાં આવી હતી. મોડી સાંજથી થર્ટી ફસ્ટની ઉજવણીનો અંગે યુવા હૈયાઓમાં થણગણાટ જોવા મળ્યો હતો. ફાર્મ હાઉસ હોટલો અને પાર્ટીના સ્થળો નજીક પોલીસે વોચ ગોઠવી હતી. તદુપરાંત પાર્ટીમાં ભાગ લઇ બહાર નીકળનારાઓ પીધેલા છે કે કેમ તે અંગેની તપાસણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી લગભગ પીધેલી હાલતમાં ૫૦ થી વધુ શખ્સોની નશાબંધી ધારાહેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મોડીરાત્રે ન્યુ ઇયર ચીયર્સના જામ વધામણની સાથે ચીચીયારીઓ પાડનારા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી. ચાર દરવાજા વિસ્તારમાં પણ બંદોબસ્ત તૈનાત કરવામાં આવતા કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. જો કે કોઇ પોલીસ ફરીયાદ અથવા તો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.