જંબુસર, તા.૧પ
જંબુસર શહેરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં તા. ૧૪/૧/૨૦૨૦ની મોડી રાત્રીના પાંચ જેટલા શખ્સો દારૂના નશામાં ચકચૂર થઈ જાહેરમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે એકબીજાને ગાળાગાળી કરી રહ્યા હતા ત્યારે પંચરની દુકાન પાસે બેસેલા યુવાનોએ ગાળો ન બોલવાનું કહેતા સાલાઓને આજે તો પતાવી જ દઈશું તેમ કહી હુમલાખોરો બળવંત જોની પરમાર, તેજસ પરમાર, પ્રવીણ પરમાર અને સંજય જલેબી ચારેવ એક સંપ થઇ યુનુશ હમિદ મલેક, શબ્બીરશા મહમદ ઇબ્રાહિમ દીવાન અને મોઇનશા શબ્બીરશા દીવાન ઉપર લાકડી અને ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં યુનુશ હમિદ મલેકને ડાબા પગની જાંગ ઉપર ચપ્પુના ઘા, શબ્બીરશા મહમદ ઇબ્રાહિમ દીવાનને જમણા કાને ચપ્પુ વડે ઈજા કરી હતી. શબ્બીરશા દીવાનને જમણા પગના થાપા અને જાંગ તેમજ જમણા હાથની હથેળી ઉપર ચપ્પુ મારી દેતા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર માટે ત્રણેય ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા હતા. આ બનાવને લઈને એક તબક્કે શહેરમાં તંગદિલી છવાઈ ગઈ હતી અને બંને કોમના લોકો પોતાના વિસ્તારમાં ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પોલીસ ફરિયાદના આધારે બળવંત જોની પરમાર, તેજસ પરમાર, પ્રવીણ પરમાર અને સંજય જલેબી ચારેવ સામે ગુનોહ નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝઘડાની મૂળ જડ દારૂ હોવાનું કહેવાય રહ્યું છે. દારૂના નશામાં ચકચૂર થઈ આ ચારેય ઈસમોએ ધમાલ મચાવી હતી. તેમ છતાં પોલીસે જાણે પોતાનું પાપ છૂપાવવા ફરિયાદમાં દારૂનો ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરથી પોલીસની ભૂંડી ભૂમિકા છતી થતી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.