મોડાસા, તા.૧૮
બે મિત્રો નશામાં ટલ્લી થઈ મજાક-મસ્તીમાં બાઈક સળગવાની શરત લગાવતા એક યુવકે તેની બાઈકને દીવાસળી ચોપી દેતા બાઈક ભડભડ સળગી ઉઠતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા બાઈક ગણતરીની મિનિટોમાં આગમાં ખાખ થઇ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,ટિકિટોક માટે નહીં પણ બે યુવકો નશામાં ધૂત બની બાઈકની ચાવીને લઈને મસ્તીએ ચઢેલ બે યુવક માંથી એક યુવકે બાઈકને દીવાસળી ચોપી દીધી હોવાની ઘટના મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં બનતા લોકોમાં અચરજ ફેલાયું હતું રામગઢી ગામમાં બાજુના ગામ માંથી બે યુવકો નશાના રંગે રંગાયેલ હાલત માંજ કામકાજ અર્થે આવ્યા હતા અને મજાક-મસ્તીએ ચઢ્યા હતા અને બાઈકની ચાવીને લઈને બંને યુવકોએ તમાશો સર્જ્યા બાદ એક યુવકે તેના મિત્ર પાસે બાઈક ની ચાવી માંગતા તેના મિત્રએ ચાવી નહીં આપે તો બાઈકને ફટાકડો બનાવી દેવાની વાત કરતા તેના મિત્રએ જે કરવું હોય તે કર કહેતા જ યુવકે બાઈકની પેટ્રોલની પાઈપ ખોલી દીવાસળી નાખી દેતા બાઈક ભડભડ સળગી ઉઠતા ગામ લોકો પણ દોડી આવ્યા હતા. લોકોના જણાવ્યા અનુસાર બંને યુવકોએ નશાની હાલતમાં આ કારનામુ તો કરી દીધું પણ નશો ઉતરશે ત્યારે બાઈકના બદલે ભંગાર મળશે ત્યારે ભાન થશે તેમજ પોલીસે નશાની હાલતમાં રહેલા બંને યુવકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.