(એજન્સી) પટના, તા.૩
બિહારમાં આ સમયે સંપૂર્ણપણે દારૂબંધી છે. મુખ્યમંત્રી નીતિશકુમારે દારૂબંધીના પોતાના નિર્ણયને લઈ દેશભરના લોકો તેમના વખાણ કરી રહ્યા છે પણ નીતિશ સરકારના દારૂબંધીના આ અભિયાનને કેટલાક પોલીસકર્મી નુકસાન પહોંચાડી રહ્યા છે. પોલીસના જવાનો પર જ દારૂ વેચવાના આરોપો લાગી રહ્યા છે. મંગળવારે રાતે ગોપાલગંજના એસપીએ એક પીએસઆઈને એક એએસઆઈ સાથે મળીને દારૂ વેચતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ‘નશામુક્ત બિહાર’માં ગોપાલગંજના બૈકુઠપુરના પીએસઆઈ અને એક એએસઆઈને દારૂના વેપારમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી. હાલમાં આ મામલે તપાસ થઈ રહી છે. એસપીએ કહ્યું કે દોષિત જાહેર થશે તો બંને વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જાણીતી સમાચાર એજન્સી મુજબ ગોપાલગંજ પોલીસ અધિક્ષક રાશિદ જમાંએ જણાવ્યું કે, ૩૦ સપ્ટેમ્બરે એક બોલેરોથી દેશમાં બનાવેલી અંગ્રેજી દારૂને જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપ છે કે પીએસઆઈ લક્ષ્મી નારાયણ અને એએસઆઈ સુધીરકુમાર જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે દારૂના વાહનને છોડી મૂક્યા હતા. જમાંએ જણાવ્યું કે, આ મામલો ધ્યાનમાં આવ્યા બાદ આખી ઘટનાની તપાસ કરવામાં આવી જેમાં બંને પોલીસ અધિકારીઓ દારૂના વેપારમાં સામેલ હોવાનું જાણવા મળ્યું ત્યારબાદ મંગળવારે રાતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આગળ તપાસ કરવામાં આવી રહી છે.