(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૧૪
નસવાડી તાલુકાના તલાવ ગામે એક મહિનાથી ધોરણ ૧થી પની પ્રાથમિક શાળા બંધ રહેતી હોવાનો શાળાના ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે અને વિદ્યાર્થીઓ આવી એક બે કલાક બેસી રમી ઘરે ચાલ્યા જાય છે, જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા છે. નસવાડી તાલુકાના તલાવ ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા એક મહિનાથી શાળાના શિક્ષક ના જતા આ શાળાના બાળકો રોજ શાળાએ આવીને બે કલાક બેસીને જતા રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મારા ગામમાં શિક્ષક છેલ્લા એક મહિનાથી આવતા નથી. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા આદિવાસી બાળકોના અભ્યાસ પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ આવા ગુલ્લીબાઝ શિક્ષકોના કારણે આદિવાસી વિસ્તારના સાક્ષરતાનું પ્રમાણ નહીંવત પ્રમાણમાં છે. સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે રૂપિયા ખર્ચ કરે છે. શું સરકાર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેશે ? જિલ્લા વિકાસ અધિકારી પગલાં ભરશે ? કે પછી આવા ગુલ્લીબાઝ શિક્ષકોને ખુલ્લું મેદાન સોંપવામાં આવશે ? તે તો આવનાર સમય જ બતાવશે. કલેક્ટર પણ આવી બાબતોને ગંભીરતાથી લે એ જરૂરી બન્યું છે.