(એજન્સી) તા.રપ
ઉત્તર પશ્ચિમ નાઈઝિરીયાના ઝમફારા રાજ્યમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં બંદૂકધારીઓએ પાંચ નમાઝીઓની હત્યા કરી અને ઓછામાં ઓછા ૧૮ લોકોનું અપહરણ કર્યું હતું એમ પોલીસે જણાવ્યું. રવિવારે એએફપી સમાચાર એજન્સી સાથે વાત કરતા રાજ્ય પોલીસ પ્રવક્તા મોહમ્મદ શેહુએ કહ્યું હતું કે ‘ડાકુઓએ પાંચ ઈબાદતગુઝારોની હત્યા કરી હતી અને ઈમામ સહિત અન્ય અઢાર લોકોનું અપહરણ કર્યું હતું. અહેવાલોમાં જણાવ્યા અનુસાર મોટર સાયકલો પર સવાર લગભગ ૧૦૦ જેટલા પશુ-ચોરોએ મુસ્લિમોની જમાત પર ગોળીબાર કર્યો હતો. જ્યારે મારૂં જિલ્લાના દૂર સ્થિત હુત્સેન ગારી ગામમાં ત્યાંના રહેવાસીઓ સાપ્તાહિક જુમ્આની નમાઝ અદા કરી રહ્યા હતા સ્થાનિક રહેવાસીઓ અને મીડિયાએ જણાવ્યું હતું. એક સ્થાનિક રહેવાસી ઈબ્રાહીમ અલ્ટિને જણાવ્યું હતું કે, બંદૂકધારીઓએ મસ્જિદ પર ત્યારે હુમલો કર્યો જ્યારે મસ્જિદના ઈમામ ખુત્બો આપી રહ્યા હતા અને હુમલો કર્યા પછી ૩૦થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા અને પાંચ નમાઝીઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઈમામનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ નાઈજિરિયા ગુનાહિત અને અપરાધી ગેંગોનું કેન્દ્ર છે, જ્યાં આ ગેંગો પર ગામ પર દરોડા પાડવા, પશુઓની ચોરી કરવા, ખંડણી માટે અપહરણ કરવા અને ખાદ્ય પૂરવઠાની લૂંટફાંટ મચાવ્યા પછી મકાનો બાળી નાખવાના આરોપો છે. આ દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પશુ ચરાવનારા ફૂલાની લોકો અને પાડોશી જાતીઓ અને કબીલાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષો થાય છે. ફૂલાની લોકો પશ્ચિમ આફ્રિકામાં વ્યાપકપણે ફેલાયેલા સૌથી મોટા વંશીય જૂથોમાંથી એક છે. ફૂલાની જેઓ તેમના પશુઓને ચરાવવા માટે દક્ષિણ તરફ સ્થળાંતર થયા હતા, દાવો કરે છે કે ખેડૂતોએ તેમના પ્રાણીઓની ચોરી કરવાના પ્રયાસ કર્યા અને તેમના લોકો પર હુમલા કર્યા હતા. આ ગંગોરૂગુ જંગલમાં તેમની છાવણીઓની જાળવણી કરે છે, જે ઝંફારા, કુદબા, અને નાઈજેર રાજ્યમાં આવે છે. જ્યાંથી તેઓ હુમલો કરે છે. સ્થાનિક અધિકારીઓ સાથે શાંતિ મંત્રણાના પ્રયાસ અને સૈનિકોની તૈનાતી પણ હુમલાનો અંત લાવવામાં નિષ્ફળ ગઈ છે. અનુમાન મુજબ ગુનાહિત અને અપરાધી ગેંગોએ ર૦૧૧થી અત્યાર સુધી લગભગ ૮,૦૦૦ લોકોની હત્યા કરી નાખી છે અને ર,૦૦,૦૦૦થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.