(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કર્ણાટક બાદ ભાજપ માટે આસામમાં નવી મુશ્કેલી આવી છે. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ ર૦૧૬ને આગળ વધારાશે તો ગઠબંધન પક્ષ આસામ ગણસંગ્રામ પરિષદે જોડાણ તોડી નાંખવાની ધમકી આપી છે. જ્યારે ભાજપના સહયોગી પક્ષ ટીડીપી, શિવસેના, અકાલીદળે ભાજપ સામે બાંયો ચઢાવી ત્યારે એજીપીના નેતા પ્રફુલકુમાર મહંત આગામી લોકસભાની ચૂંટણી પહેલાં વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અને આસામ ગણપરિષદના નેતા પ્રફુલકુમાર મહંતે કહ્યું કે બિલના મુદ્દે ભાજપ આગળ વધશે તો ગઠબંધન રહેશે નહીં. ર૦૧૬માં લોકસભામાં બિલ રજૂ કરાયું હતું જેમાં ૧૯પપના નાગરિકત્વ ધારામાં ફેરફાર કરી હિન્દુ-શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી લોકો કે જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી સ્થળાંતર કરી આવ્યા છે. તેમને નાગરિકત્વનો અધિકાર આપવાની જોગવાઈ કરાઈ છે. આ બિલનો આસામમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ૧૯૭૧ પછી આસામમાં પ્રવેશેલા ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ માટે સુપ્રીમકોર્ટની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહેલા નેશનલ રજિસ્ટર્ડ ઓફ સિટીઝનશીપ બાદ વિવાદ શરૂ થયો છે. એજીપીની માંગ છે કે, આસામ સમજૂતી મુજબ બાંગ્લાદેશથી આવેલા કોઈ પણ ધર્મના લોકોને પરત મોકલી દેવા એજીપીએ આ મુદ્દે દેખાવો કરી ભાજપને ભીડંનમાં લીધી હતી. મહંતાએ બિલ અંગે નાખુશી વ્યક્ત કરી છે.